દીનાનાથ ક્રેડિટ સોસાયટીને ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના વ્યાજે વળતર ૧-માસમાં ચૂકવી આપવા હુકમ
Rajkot,તા.06
શહેરના દીનાનાથ ક્રેડિટ કો-ઓ. સોસાયટીને લીધેલી લોનના ચડત હપ્તાના જુદા જુદા બે ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીઓ માતા અને પુત્રને 6-6 માસની સજા અને ચેક મુજબની રકમો છ-છ ટકા વ્યાજથી ચૂકવી દેવાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, રાજકોટમાં બાલમુકુંદ એન્ટરપ્રાઇઝ, રાજદેવ શેરી, સાંગણવા ચોક પાસે રહેતા રાહીલ ચેતનભાઇ નાગ્રેચા અને તેની માતા પુષ્પાબેન ચેતનભાઇ નાગ્રેચાએ દીનાનાથ ક્રેડીટ કો-ઓ. સોસાયટીના સભાસદ દરજજે જાત-જામીનની લોન લીધેલ. જેમાં લોનના ચડત હપ્તા પેટે રાહીલે રૂ.૩૪,૦૭૫નો ચેક આપેલો. જ્યારે પુષ્પાબેને લીધેલ લોનના ચડત હપ્તા સહિત રકમ ચુકવવા રૂ.૪૯,૦૫૦નો ચેક આપેલો. જે બંને ચેક ફંડસ ઈન્સફિસિયન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી બંનેને કાનૂની નોટિસ પાઠવવા છતાં રકમ ન ચુકવતા રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ – ૧૩૮ હેઠળ બે જુદી જુદી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી મંડળીના વકીલે કરેલી લેખિત – મૌખિક દલીલો, દસ્તાવેજી પુરાવાઓ, ટાંકેલા વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. એસ. પ્રજાપતિએ બંને કેસમાં આરોપીઓને તકસીરવાર ઠેરવી બંને આરોપીને 6-6 માસની કેદની સજા તથા ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના સાદા વ્યાજે વળતર તરીકે ૧-માસમાં ન ચૂકવે તો વધુ ૧ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી મંડળી વતી ધારાશાસ્ત્રી હેમલ બી. ગોહેલ અને કોમલ એસ. કોટક રોકાયા હતા.