ડિસ્ટ્રિકટ બેંકને ચેકની રકમનુ વળતર એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ
Rajkot,તા.19
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક લી.માંથી લીધેલી લોન ભરપાઈ કરવા આપેલો 1.83 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી લોનધારકને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે એક માસમાં ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ૧૫૦ ફુટ રિંગ રોડ ઉપર આવેલ ઓમનગરના ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ મગનભાઈ જાદવે રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. મવડી રોડ શાખામાંથી રૂ.૧૦ લાખની લોન લીધી હતી. બાદમાં લોનની રકમ ભરપાઈ કરવા અંગે રૂ.૨.૪૩ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક લખનારના ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. આથી આરડીસી બેંક દ્વારા લીગલ નોટીસ આપવા છતાં હિતેષ જાદવે ચેકવાળી રકમ બેન્કમાં ભરપાઈ કરેલ નહિં. તેથી બ્રાન્ચ મેનેજર ઉમેશ ભેસાણીયાએ રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.
આ ફોજદારી ફરીયાદ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બેન્ક તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા બેન્કના એડવોકેટ નીલેશ જી. પટેલની દલીલો તથા રજુ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ગુન્હાઓ વધવાના કિસ્સાઓને ગંભીરતાથી લઈ આરોપી લોનધારક હિતેષ મગનભાઈ જાદવને એક વર્ષની સજા તેમજ ફરીયાદીને રૂા. ૧.૮૩ લાખનું વળતર એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી બેંક તરફથી એડવોકેટ નીલેશ જી. પટેલ, રેખાબેન ઓડેદરા, રીધ્ધીબેન પીલોજપરા તથા સહાયકો દિપાલીબેન નકુમ, ભાવીકાબેન અલમ રોકાયા હતા.