દારૂ, સ્કૂટર અને રીક્ષા મળી 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત: બે શખ્સની શોધખોળ
Rajkot 2
રાજકોટમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડ્યા હોય તેમ અવારનવાર અવનવા કિમીયા કરી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે પોલીસ પોતાની સુઝબુઝથી બુટલેગરોના પ્રયાસો નિષ્ફળ બનાવી દારૂનો જથ્થો ઝડપી રહી છે. ત્યારે રાજકોટમાં જુદા-જુદા પાંચ સ્થળે પોલીસે દરોડા પાડી વિદેશી દારૂની 104 બોટલ, સ્કૂટર અને રીક્ષા મળી રૂ.1.26 લાખનો મુદ્દામાલ સાથે ચાર બુટલેગરને ઝડપી લીધા છે, જ્યારે બે શખ્સની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જૂના મોરબી રોડ પર રાધિકા પાર્ક મેઇન રોડ પર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે બી ડિવિઝને વોચ ગોઠવી ત્યાંથી પસાર થયેલા સ્કૂટર ચાલક નરેન્દ્ર ઉર્ફે રોકી ઉર્ફે ભોટીયો ઉમેશભાઇ પંડ્યાને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી 38 ટીન બિયર મળી આવ્યુ હતું. પોલીસે બિયર અને સ્કૂટર મળી રૂ.34,112નો મુદદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દરોડામાં રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર વિદેશી દારૂ ભરેલી રીક્ષા પડી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપી લીધી હતી. પોલીસે વિદેશી દારૂની 24 બોટલ અને રીક્ષા મળી રૂ.67,736નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન નાશી છૂટેલા રીક્ષાચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રીજા દરોડામાં આજી ડેમ ચોકડી નજીક આવેલ શિવમ પાર્કમાં રહેતા યોગેશ જેન્તીભાઇ રાઠોડ નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમ ત્રાટકી હતી. ઘરની તલાસી લેતા યોગેશ રાઠોડ પાસેથી રૂ.23,152ની કિંમતની 40 બોટલ વિદેશી દારૂ મળી આવતા તેની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂ વિજય ઉર્ફે ભોદીયો ગોવિંદભાઇ સાબરીયા પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.ચોથા અને પાંચમાં દરોડામાં નાના મવા મેઇન રોડ પર લક્ષ્મીનગરના નાલા પાસેથી માલવિયા નગર પોલીસે હાર્દિકસિંહ ગજેન્દ્રસિંહ મકવાણાને એક બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો, જ્યારે ઉદયનગરમાંથી યોગેશ કેશુભાઇ ગોહેલને પણ માલવિયા નગર પોલીસે એક બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.