ઠાડચ ગામે 2 મકાનમાંથી રૂા. 3.56 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

Share:
Bhavnagar,તા.06
પાલીતાણા તાલુકાના ઠાડચ ગામમાં આવેલ બે મકાનમાં પાલીતાણા રૂરલ પોલીસે દરોડો પાડી રૂા.૩.૫૬ લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો.જ્યારે ત્રણ શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા .બનાવની વિગત એવી છે કે, પાલીતાણા રૂરલ પોલીસ  ગત મંગળવારે સાંજે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઠાડચ ગામમાં રહેતા હરેશ હિંમતભાઈ મકવાણાએ ગામના પ્લોટ વિસ્તાર, મફતનગરમાં રહેતા મહેશ રામજીભાઈ મકવાણા અને અરવિંદ અજયભાઈ મકવાણાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.આ બાતમીના આધારે પાલીતાણા રૂરલ પોલીસે મહેશ રામજીભાઈ મકવાણાના મકાનમાં દરોડો પાડયો હતો.પોલીસે તલાશી લઈ બાથરૂમમાં રાખેલ વિદેશી દારૂ-બિયરના જથ્થાને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત,  આ મકાનની દિવાલની બાજુમાં આવેલ અરવિંદ મકવાણાના મકાનમાં દિવાલ પાસે આડશમાં છુપાવેલ દારૂ અને બિયરના જથ્થાને પણ શોધી કાઢ્યો હતો. પોલીસે બન્ને સ્થળેથી વિદેશી દારૂની ૩૪૧ બોટલ કિંમત રૂા.રૂ.૧,૭૩,૧૭૦ તેમજ વિદેશી દારૂના ૧૨૮૦ ચપટા  કિંમત રૂા.૧,૭૯,૮૮૦ અને બિયરના ટીન ૨૪ નંગ કિંમત રૂા.૩૧૨૦ મળી કુલ રૂા.૩,૫૬,૧૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે, પોલીસના દરોડા દરમિયાન દારૂ છૂપાવનાર તથા દારૂ છૂપવવા માટે મકાન આપનાર બન્ને કબ્જદાર સહિત ત્રણેય શખ્સ મળી આવ્યા ન હતા. પોલીસે ત્રણેય ફરાર શખ્સ, વિરૂદ્ધ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ તળે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *