Amreli: Lion Attacked કર્યો કે ૭ વર્ષના બાળકનું શરીર ચૂંથી નાંખ્યું

Share:

Amreli,તા.૧૯

અમરેલી તાલુકાના પાણીયા ગામમાં સવારે મુળ મધ્યપ્રદેશના જાબુઆના અને હાલ પાણીયામાં રહેતા ૭ વર્ષીય રાહુલ બારીયા નામનો માસૂમ અન્ય લોકો સાથે નદી કિનારે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સિંહ ત્યા આવી ગયો હતો અને આ માસૂમ તેમજ અન્ય લોકો કઈ સમજે તે પહેલા સિંહ આ બાળકને પકડીને બાવળની ઝાડીઓ તરફ ઢસડી ગયો હતો. સિંહે બાળક પર હુમલો કરી બાળકના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. જે ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જે પ્રમાણે સિંહે બાળકના શરીરના ટૂકડા કરી નાખ્યા હતા તે જોઈ વનવિભાગ પણ ચોંકી ગયું હતું. ગામના લોકો કોઈ બાળકના મૃતદેહને જોઈ શક્યા ન હતા તે હદે સિંહે બાળક પર હુમલો કર્યો હતો. વનવિભાગની ટીમે બાળકના મૃતદેહના અવશેષો એકત્રિત કર્યા હતા.

મૃતદેહને અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.બીજી તરફ વનવિભાગના આરએફઓ, પશુ ચિકિત્સક અને કર્મચારીઓની ટીમે બે કલાકના ભારે જહેમત બાદ સિંહને પાંજરે પુરી દીધો છે. સિંહને લીલીયાના ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં હાલ ખસેડવામાં આવ્યો છે. વનવિભાગની ડોક્ટર ટીમ દ્વારા આ જ સિંહે શિકાર કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

શેત્રુંજી ડીવીજનના ડીસીએફ જયન પટેલે જણાવ્યું કે, આજે સવારે અમરેલીના પાણીયા ગામમાં સિંહે એક ૭ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેથી બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી ડીવીઝનના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વનવિભાગની ટીમે આ સિંહને બે કલાકની અંદર જ રેસ્ક્યૂ કરી લીધો છે. આ સિંહને વધુ પરીક્ષણ અર્થે સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે.ગામના કમલેશ ગોસાઈએ જણાવ્યું કે, અમારા ગામમાં એક બાળકને સિંહે ફાડી ખાંધો છે. અમારે અહિં ખેડૂતોને પણ ખુબ મુશ્કેલી વધી ગઈ છે. રાતના સમયે કોઈ બહાર જઈ શકે તેમ નથી. ગામમાં માલ ઢોર પણ હેરાન થઈ રહ્યા છે. ભુખે મરવાનો વારો આવ્યો છે. વન્યપ્રાણીઓના કારણે સીમમાં જઈ શકાય તેમ નથી. આ મામલે સરકાર કોઈ પગલા લે તેવી અમારી માગ છે. ગામના સરપંચ દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે, ધોળા દિવસે નદીએ પાણી ભરવા મજૂર જઈ રહ્યા હતા, તે દરમિયાન સિંહે હુમલો કરીને બાળકને લઈ ગયો હતો, જો ધોળા દિવસે આવી ઘટના બનતી હોય તો રાત્રે તો જે લોકો ખેતરે જતા હોય તેઓની સુરક્ષાનું શું? મારી સરકારને વિનંતી છે કે, સિંહ જંગલનો રાજા છે તેને જંગલમાં જ રહેવા દો, આમ ગમે ત્યા આવી જાય તે વ્યાજબી નથી.ભેરૂભાઈએ જણાવ્યું કે, સિંહે અચાનક આવીને બચકુ ભરી લીધુ હતું. જે બાદ અમે અમરેલી હોસ્પિટલમાં બાળકને લઈ આવ્યાં હતા. અહિં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ આવ્યાં હતા.હુમલાની ઘટના બાદ પાણીયા ગામ નજીકથી એક સિંહને વનવિભાગ દ્વારા પાંજરે પૂર્યા બાદ વધુ એક સિંહ અહિં હોવાની વનવિભાગની ટીમે શંકા ગઈ હતી. જેથી તપાસ કરતા વનવિભાગની ટીમે સાંજના સમયે અહિંથી વધુ એક સિંહને પાંજરે પુરી દીધો છે. બે સિંહોને પાંજરે પૂર્યા છે. વનવિભાગ દ્વારા બંને સિંહોના સેમ્પલ લેવાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *