Shivaની સાચી આરાધના ભક્તિ સીવાય કંઇ ન માગવાનો શુભ સંકલ્પ કરીએ

Share:

‘શિવ’ શબ્દનો અર્થ જ ‘જીવ અને જગતનું કલ્યાણ’ કરનાર એવો થાય છે તો પછી શિવ આરાધનાના બદલામાં સાંસારિક માગણીને સ્થાન રહેવું ન જોઇએ.

આમ છતાં એકવીસમી સદીના વૈજ્ઞાનિક કોમ્પ્યુટર તથા ટેકનોલોજીના યુગમાં જીવતો માણસ, બૌધ્ધિક, શિક્ષિત અને સંસ્કારી મનુષ્ય પોતે ગતજન્મ કે આ જન્મમાં કરેલા દુર્બુધ્ધિના અશુભ-અમંગલ અને અસદ્ કર્મોના ફળ રૂપે પોતાના જીવનમાં આવતાં દુ:ખોમાંથી છૂટકારો મેળવવા અને તેમાથી મુક્ત થવા અનેક ટૂંકા રસ્તે સતત ધમપછાડા કરતો રહે છે.

ભારતીય સંસ્કૃતિ તો ઇશ્વરના આશીર્વાદ કે અનુદાન મેળવવા માટે પ્રથમ લેવાને બદલે આપવાનું કહે છે. એટલે જ ઉપનિષદ કહે છે, ‘ત્યેન ત્યક્તેન ભૂંજીથા : ।’ ત્યાગીને ભોગવો. મેળવવાની અને ભોગવવાની આજ ન્યાયકારી રીત છે. કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે. ‘ગીવ એન્ડ ટેઇક’ આપો અને મેળવો. ‘વાવો અને લણો’ લણતા પહેલા વાવવું પડે છે. ગાંધી બાપુએ પણ પોતાની પ્રાર્થનામાં આ જ કહેલું છે – ‘ત્યાગીને ભોગવી જાણો, વાંછોમાં ધન અન્યનું’

જીવને શિવ પાસે માગતા આવડશે એની ખાતરી કોણ આપશે ? અને માગતા ન આવડયું તો માંગનારની વલે થશે ? ‘પ્રજ્ઞાપુરાણ’ના એક દ્રષ્ટાંતથી સમજવાનો પુરુષાર્થ કરીએ.

શ્રાવણ માસમાં એક વખત શિવ અને પાર્વતી ગંગાકિનારેથી પસાર થઇ રહ્યા હતા. માતા પાર્વતીએ એક કંગાલ ડોશા, ડોશી અને તેના નાના દીકરાને ભક્તો પાસે ભિખ માંગતા જોયા. દેવી પાર્વતીને આ ત્રણે ગરીબ જીવાત્મા પર દયા આવવાથી તેણે ત્રણેયને વરદાન આપવા શિવજીને વિનંતી કરી.

શિવજીએ કહ્યું, ‘દેવી ! આ કર્મફળનું પરિણામ છે, જે જીવાત્માએ ભોગવી લેવું પડે. તમે આપશો તો પણ તેની પાત્રતાને અભાવે તેને માગતા નહિ આવડે.’ પાર્વતીજી એ હઠ કરી આથી દેવીને રાજી રાખવા શિવજી ત્રણેને વરદાન આપવા તૈયાર થયા.

પ્રથમ ડોશીમાને પોતાનું વરદાન માગવા કહ્યું. થોડોક વિચાર કરીને ડોશીમાએ પોતાને નવ જવાન સુંદરી બનાવી દેવાનું વરદાન માગ્યું. ‘તથાસ્તુ’ કહેવાથી ડોશીમા સુંદરી બની ગયા. આથી ડોશાએ ક્રોધમાં વિચાર્યું, ‘આ તો સ્વાર્થી નીકળી ઘડપણમાં પતિની સેવા કરવાને બદલે એને સંસાર સુખ ભોગવવાના અભરખા જાગ્યા.’ શિવજી ડોશાને પોતાનું વરદાન માગવા કહ્યું. ડોશાએ માગ્યું, ‘સાલીને ભૂંડળી બનાવી દો.’માં ભૂંડળી બની જતાની સાથે જ દીકરો રડવા લાગ્યો, ‘મા વગર મારી સંભાળ કોણ રાખશે ? હું જીવીશ કેવી રીતે ?’ શિવજીએ કહ્યું, ‘બેટા, રડ નહિ. તારું વરદાન બાકી છે, માગી લે’ છોકરાએ વરદાન માગ્યું, ‘મારી માં જેવી હતી એવી બનાવી દો.’ ભૂંડળી ફરીથી ડોશીમા બની  ગયા. માં પાર્વતી આશ્ચર્ય ચકિત થઇને જોઈ રહ્યા !

સારું છે અંતર્યામી દયાળુ ઇશ્વર આપણી બધી માગણી પૂરી નથી કરતો નહિતર જે થોડું સુખ મળ્યું છે એ પણ ગુમાવવાનો વખત આવે ! બચપણમાં અજ્ઞાની અવસ્થામાં ધૂળખાતા બાળકને ઠપકો આપી, ગુસ્સામાં મારપીટ કરતી માતા, બાળકને દુશ્મન લાગે છે પરંતુ મોટા થતાં એજ બાળકને સત્ય સમજાય છે કે ધૂળખાવાની પોતાની ઇચ્છાને પૂરી ન કરીને માં એ પોતાના સ્વાસ્થ્ય પર બહુ મોટો ઉપકાર કર્યો હતો ! ભક્ત અને ભગવાનનો સંબંધ આવો સંતાન અને જનની જેવો છે. ભક્તિના બદલામાં માંગણી કરનાર ભક્તે આ ખાસ સમજવાની જરૂર છે.

ઇચ્છાપૂર્તિ ન થતાં ભક્ત નિરાશ કે નાસ્તીક ન બની જાય અને ભક્તિનો ત્યાગ ન કરી બેસે માટે એણે ‘શિવપુરાણ’માં જણાવ્યા મુજબ અંત:કરણપૂર્વક શિવજીને પ્રાર્થના કરવી જોઇએ.

પ્રાર્થના :- ‘સૌને સુખ પ્રદાન કરનાર કૃપાનિધાન ભૂતનાથ શિવ હું તમારો છું. આપના ગુણોમા જ મારા ગુણો રહ્યા છે. અથવા આપના ગુણ જ મારા પ્રાણ છે. મારું જીવન સર્વસ્વ છે, મારું ચિત્ત આપના જ ચિંતનમાં લાગ્યું રહો. આ જાણીને મારા પર પ્રસન્ન થાઓ. કૃપા કરો. હે શંકર મેં અજાણતા કે જાણી જોઇને જો ક્યારેય આપનો જપ અને આપનું પૂજન કર્યું હોય તો આપની કૃપાથી તે સફળ થઇ જાઓ. હે ગૌરી નાથ ! હું આધુનિક યુગનો મહાન પાપી છું, પતિત છું અને આપ સદાયના પરમ મહાન પતિતપાવન છો. આ વાતનો વિચાર કરીને આપ જેવું ચા હો તેવું કરો. હે મહાદેવ ! હે સદાશિવ ! વેદો પુરાણો, વિવિધ પ્રકારના શાસ્ત્રીય સિદ્ધાંતો અને વિભિન્ન મહર્ષિઓએ પણ હજુ સુધી આપને પૂર્ણરૂપે જાણ્યા નથી પછી હું કેવી રીતે જાણી શકું ? હે મહેશ્વર હું જેવો છું એ જ રૂપમાં સંપૂર્ણ ભાવથી આપનો છું. આપને આશ્ચિત છું. એટલે આપની રક્ષા મેળવવા યોગ્ય છું. હે પરમેશ્વર ! તમે મારા પર પ્રસન્ન થાવ.

પ્રકૃતિવશ પ્રાર્થનાને બદલે માંગણી કરવી જ હોય તો શ્રીરામ શર્મા આચાર્યજીના આ દ્રષ્ટાંત પર ચિંંતન-મનન કરવું. ‘કાશીના સંત બાબા ગુલાબચંદ અઘોરી એક ચમત્કારિક સિધ્ધપુરુષના રૂપમાં પ્રખ્યાત હતા. તેમને સાહિત્ય પ્રત્યે પણ આકર્ષણ હતું. એક વાર હિંદીના પ્રસિધ્ધ સાહિત્યકાર સુદર્શનસિંહ ચક્ર બાબાને મળવા ગયા. બાબા તેમની કવિતા સાંભળીને પ્રસન્ન થઇ ગયા. અને તેમને કહ્યું કે ‘આજે તમે જે કાંઈ માગશો તે તમને મળશે.’ સુદર્શનસિંહે કહ્યું કે ‘બાબા હું તો માત્ર ભગવદ્ભક્તિ જ ઇચ્છુ છું.’

બાબાજીએ સુદર્શનસિંહને ફરીથી કંઇક માગવા માટે કહ્યું. એ વખતે સુદર્શનસિંહે માગ્યું, ‘સારું બાબા ! તો પછી મને એવા આશીર્વાદ આપો કે ભારતમાં કોઈપણ વ્યક્તિ રોગી કે દરિદ્ર ન રહે તેમની આવી માગણી સાંભળીને બાબા ગુલાબચંદ રડવા લાગ્યા. તેમણે સુદર્શનજીને કહ્યું, ‘બેટા, આજે તો તે મારું અભિમાન નષ્ટ કરી દીધું. મને આજે સમજાઈ ગયું છે કે મનુષ્ય સર્વસમર્થ નથી. બધાનું દુ:ખ તો માત્ર ભગવાન જ દૂર કરી શકે. શિવભક્તિના બદલામાં ઉપરોક્ત પ્રાર્થના અથવા સુદર્શનસિંહ જેવી માંગણી શિવ પાસે કરી ‘સાચી શિવ આરાધના’ કરીએ.

ઓમ નમ: શિવાય

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *