Dhoraji, તા. 18
ઉનાળાનો પ્રારંભ થતા જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં હોલસેલમાં લીંબુનો કિલોનો ભાવ રૂા. 175 થી 200નો બોલાય રહ્યો છે.
ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં લીંબુની સાથે શાકભાજીમાં ટમેટા રૂા. 15નાં કિલો કોબી 40 રૂપિયાનું આખું ઝબલુ આદું 40 રૂપિયા કિલો ભીંડો 40 રૂપિયા કિલો રીંગણા 20 થી 25ના કિલો બોલાય રહ્યા છે. આ શાકભાજી વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે ત્યારે ખર્ચ બગાડ અને નફો લગાવીને બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવથી વેચાણ થાય છે.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને રમજાન માસ ચાલી રહ્યો હોય તેને લઈને લીંબુ નો ભાવ આસમાને પહોંચી ગયો છે લીંબુનો ભાવ કિલોદીઠ 200 રૂપિયામાં માર્કેટ કે લારીઓમાં વેચાઇ રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ લીંબુનો ભાવ કિલોના રૂપિયા 300થી 400 થવાની શક્યતા છે.
શાકભાજી વાવતા ખેડૂતો ને શાકભાજીના ભાવ નથી મળતાં જેને કારણે શાકભાજી પકવતાં ખેડૂતો અન્ય પાકોનું વાવેતર તરફ વળ્યા છે તેને લઈને શાકભાજી ઉત્પાદન માં ફર્ક પડ્યો છે અને અન્ય સીટી કે બહાર ગામથી શાકભાજી મંગાવવામાં આવે છે. તેવું હોલસેલ અને રીટેલ વેપારીઓ જણાવી રહ્યા છે.