Ahmedabad,તા,18
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી તથા બોલિવૂડ સિતારાઓના અંગત મિત્ર બાબા સિદ્દિકીની હત્યા કરાવ્યાના દાવા સાથે લોરેન્સ બિશ્નોઈ ગેંગ ફરી ચર્ચામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં જ મુંબઈમાં મોટા ગજાના નેતાની હત્યા કરાવી અને ફિલ્મસ્ટાર સલમાન ખાન માટે ભયનું વાતાવરણ પણ સજર્યાની ચર્ચા વેગવાન છે. ત્યારે સૌથી મોર્ટો સવાલ એ છે કે, લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં જ કેમ રાખવામાં આવ્યો છે?
લોરેન્સ બિશ્નોઈ અંગે કેનેડાની સરકારે પણ સવાલ ઊઠાવ્યાં
કચ્છના ડ્રગ્સ કેસમાં ધરપકડ કરીને લવાયા પછી સીઆરપીસી 268 લાગુ કરીને લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી અન્ય જેલમાં લઈ જવા પર પ્રતિબંધ છે. તેને લંબાવીને ઓગસ્ટ 2025 સુધી કરાયો છે. લોરેન્સ સામે 20થી ગુના છે તેમાં ગુજરાત કરતાં રાજસ્થાન અને મુંબઈમાં વધુ સંખ્યા છે. છતાં બીજા રાજ્યને કસ્ટડી આપવા ઉપર પ્રતિબંધ શા માટે તેવો સવાલ કાયદાના જાણકારોમાં થઈ રહ્યો છે. બીજી તરફ, લોરેન્સ બિશ્નોઈ અંગે કેનેડાની સરકારે પણ સવાલ ઊઠાવ્યાં છે.
કચ્છમાં ડ્રગ્સની હેરાફેરીના કેસમાં લોરેન્સની ધરપકડ કરાઈ હતી
મુંબઈમાં બાબા સિદ્દિકીની હત્યા પછી કરાયેલા દાવાથી અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગનું નેટવર્ક ચલાવતો હોવાની ચર્ચા છે. 31 વર્ષના લોરેન્સ બિશ્નોઈ સામે કચ્છમાં ડ્રગ્સની હેરાફેરીનો કેસ નોંધાયો હતો. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા ઓગસ્ટ 2023માં લોરેન્સ બિશ્નોઈનો કબજો મેળવવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા તપાસ પૂર્ણ થઈ તે પછી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો.
સાબરમતી જેલમાં ધકેલાયેલાં લોરેન્સ બિશ્નોઈને દેશની અન્ય કોઈ જેલમાં ટ્રાન્સફર કરવા ઉપર કેન્દ્ર સરકારે સીઆરપીસી 268 હેઠલ મળેલી સત્તા અન્વયે પ્રતિબંધ લગાવ્યો છે. એક વર્ષનો આ પ્રતિબંધ તાજેતરમાં જ રિન્યૂ કરવામાં આવ્યો છે. હવે લોરેન્સ બિશ્નોઈને ઓગસ્ટ 2025 સુધી સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે.
લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં જરાખવાના નિર્ણય સાથે જ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ચાર રાજ્યોમાં હત્યા, હત્યાની કોશિષ, હથિયારો, ડ્રગ્સની હેરાફેરી સહિતના 20થી વધુ ગુના છે. દેશ- વિદેશમાં 700 સાગરિતોના નેટવર્ક સાથે સલમાન ખાનને ધમકી પછી બાબા સિદ્દિકીની હત્યાથી ચર્ચામાં છે. તે ગેંગસ્ટર સાબરમતી જેલમાં જ કેમ? લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બીજા રાજ્યને શા માટે સોંપાતી નથી તેવો સવાલ ચર્ચામાં છે. કેનેડાની સરકારે પણ લોરેન્સ બિશ્નોઈની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યાં છે.
બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે સ્વિકારી
પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ગુનાખોરીમાં કદમ માંડનાર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બીજા રાજ્યોની પોલીસને આપવામાં આવતી નથી. પ્રતિબંધ મુકાયો હોવાથી પંજાબ સહિતના રાજ્યોની પોલીસે સાબરમતી જેલમાં જ આવીને લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવી પડે છે. જો કે, આ માટે એન્કાઉન્ટર કરાવી નંખાય તેવો ખતરો બતાવી બિશ્નોઈને કાયદાકીય સુરક્ષા કવચ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી છે.
મુંબઈ પોલીસ હજુસુધી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવી શકી નથી કે પૂછપરછ કરવા માટે પણ આવી નથી. આવા કેદીની અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાથી કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચી શકે તેવા મુદ્દે લદાયેલો પ્રતિબંધ મુંબઈમાં હત્યા અને કેનેડાની સરકારે ઉઠાવેલાં સવાલો પછી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.