રાજકોટ શહેર-જિલ્લામાં બે, ભાવનગર , અમરેલી અને ખંભાળિયા હત્યાથી ખળભળાટ
RAJKOT,તા.૧૨
સૌરાષ્ટ્રમાં પાંચ લોથ ઢળતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. રાજકોટ શહેરમાં જૂની અદાવતમાં રવિવારે રાત્રે સશસ્ત્ર ધીંગાણું ખેલાયા બાદ સારવાર દરમિયાન એક પ્રૌઢનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જયારે રાજકોટની ભાગોળે શાપરમાં પતિએ જ પત્નીને પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી દઈ સરાજાહેર લટકાવી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. જયારે મહુવામાં પ્રેમ પ્રકરણમાં બુટલેગરનું ખૂન કરી દેવામાં આવ્યું છે અને બીજી બાજુ અમરેલીના ખાંભામાં કામ બાબતે ઠપકો આપતાં સગા ભાઈના હાથે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે.
શાપર(વે.)માં પ્રેમીએ પરિણીતાનું ઝીંકી ઢીમ ઢાળી દીઢું
રાજકોટની ભાગોળે આવેલ શાપર વેરાવળમાં પ્રેમીએ પરિણીતાને પથ્થરના ઘા ઝીંકી પતાવી દઈ લાશ થાંભલામાં લટકાવી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. મેંદરડાના સતિષભાઈ ગરસાણીયાની પત્ની જાગૃતિને મયુર ગિરધર સીરવાડીયા સાથે પ્રેમ સંબંધ થતાં બંને ભાગીને શાપર આવી ગયા હતા. બંને સાથે રહેતા હતા ત્યારે તારે બીજા સાથે લફરાં છે તેવું કહી મયુર અવાર નવાર પરણિત પ્રેમિકાને માર મારતો હતો. દરમિયાન રવિવારે મયુરે ફરીવાર ઝઘડો કરોને આનંદ લાઈનર્સ ગેઇટ અંદર આવેલા ડિવાઇન મશીન્સ પ્રા.લી. નામના કારખાનામાં જાગૃતિને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધી હતી. જે બાદ શૈતાની જેમ લાશને થાંભલા પર લટકાવી દેતા ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણ શાપર પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પ્રેમી મયુર ગિરધરભાઈ સીરવાડીયાને ઝડપી લેવામાં આવ્યો છે.
પરબડીમાં હત્યાનો ભેદ ઉકેલયો : પતિ અને દિયરની ધરપકડ
ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પાંચ દિવસ પહેલાં પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. ત્યારબાદ આ માનવ કંકાલની તપાસ હાથ ધરી હતી. આ માનવ કંકાલ અંગે તપાસ હાથ ધરતા પ્રાથમિક દૃષ્ટિએ હત્યાની શંકા મુજબ તપાસ કરી હતી અને અંતે આજે પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ શકમંદને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. માનવ કંકાલની ખોપરી રેશ્માદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું સામે આવ્યું હતું અને આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી માનવ કંકાલ મળ્યું એ કારખાનામાં જ અગાઉ કામ કરતા વિપિન યાદવે ઘરકંકાસથી કંટાળી તેના ભાઈ સૌરભસિંઘ સાથે મળી હત્યા નિપજાવી લાશ દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હાલ બન્ને આરોપીઓની ઉત્તરપ્રદેશના ઇટાવા ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહુવામાં પ્રેમિકાના પૂર્વ પ્રેમીએ બુટલેગરને રહેસી નાખ્યો
મહુવાના બુટલેગરે એકાદ મહિના પહેલા ઉના પંથકની મહિલાને પોતાના ઘરમાં બેસાડી હતી. જે ઉનાના દેલવાડાના શખસની પ્રેમીકા હોય જેની દાઝ રાખી પુર્વ પ્રેમીએ ધસી આવી નિદ્રાધિન બુટલેગર ઉપર કુહાડાથી તુટી પડયો હતો. અને હત્યા કર્યા બાદ ફરાર બન્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર મહુવાની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ અમીરઅલી ડોઢીયાએ એકાદ મહિના પહેલા ઉના પંથકની અફસાના નામની મહિલા સાથે પ્રેમ પાંગરતા તેને તેના ઘરમાં બેસાડી હતી. પરંતુ અફસાનાને અગાઉ ગીર સોમનાથ જિલ્લાના અને ઉનાના દેલવાડામાં રહેતા નિલેશ અનીલભાઈ ખોરાસી સાથે પ્રેમ હોય અને અફસાનાએ તેને છોડી દેતા એક ફુલ દો માલીનો ઘાટ ઘડાયો હતો. દરમિયાન ગત રાત્રીના અલ્તાફભાઈ તેના રહેણાકી મકાનના ઉપરના માળે સુતા હતા. તે વેળાએ અફસાનાનો પ્રથમ પ્રેમી નિલેશ ખોરાસી મોડી રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસા દરમિયાન ધસી આવ્યો હતો. અને અલ્તાફ તે આ ખોટુ કર્યુ છે. તેમ કહી જીવલેણ હુમલો કરી આડેધડ કુહાડાના જીવલેણ ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાખી હતી. તે વેળાએ અલ્તાફભાઈના ઘરે તેનો મિત્ર અનવરભાઈ આવી વચ્ચે પડતા નિલેશે તેને પણ ઉંધી કુહાડીનો ઘા મારી તારે જીવવુ હોય તો ચુપ ચાપ પડયો રહે નહીંતર તારુ પણ મર્ડર થઈ જશે તેમ કહી ધમકી આપ્યા બાદ મિત્રની નજર સામે જ મિત્રને નિર્દયતાથી કુહાડી મારતો રહ્યો હતો.
ખાંભામાં મોટાભાઈની છરીના ઘા ઝીંકી હત્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નિંગાળા ગામે સગા ભાઈના હાથે હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર હરેશભાઈ ઉર્ફે હર્ષદભાઈ અનુભાઈ બારૈયાએ પોતાના નાના ભાઈ જયસુખ બારૈયાને કામ બાબતે ઠપકો આપ્યો હતો. આરોપી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઈ હતી. દરમિયાન આરોપી જયસુખ બારૈયાએ પોતાની પાસે રહેલ તીક્ષ્ણ હથિયાર નેફામાંથી કાઢી મૃતકના ડાબા પડખે ઝીંકી દેતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.