Rajkot,તા.1
રાજયનાં મહેસુલ વિભાગે લેન્ડ-ગ્રેબીંગ એકટ અધિનિયમ-2020 અન્વયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનો ચુસ્ત પણે અમલ કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે. મહેસુલ વિભાગે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ દરેક જિલ્લામાં સમિતિનું અલગમહેકમ ઉભુ કરવા તથા લેન્ડગ્રેબીંગનાં કેસમાં અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારને નોટીસ આપવા સહિતના નિયમો ઉમેરાયા છે.
મહેસુલ વિભાગનાં પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળની દરેક જિલ્લા સમિતિનું એક અલાયદુ મહેકમ સર્વે કલેકરએ આંતરિક વ્યવસ્થાથી ઉભુ કરવાનું રહેશે.
જે અન્વયે અમદાવાદ, કચ્છ, રાજકોટ, સુરત, ભાવનગર, બનાસકાંઠા, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર,ગાંધીનગર, જીલ્લાની કચેરીમાં બે નાયબ મામલતદાર તથા જુનીયર કલાર્ક તેમજ રાજયના અન્ય તમામ જીલ્લાઓમાં નાયબ મામલતદાર અને જુનીયર કલાર્ક નિયત કરવામાં આવે છે. ઉકત અલાયદા મહેકમે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળને લગતી જ કામગીરી કરવાની રહેશે.
રચાયેલ સમિતિના અધ્યક્ષને યોગ્ય જણાય તો સમિતિ અંતિમ નિર્ણય લેતા પહેલા પક્ષકારોને જરૂરી નોટિસ આપવાની રહેશે.તપાસ અધિકારીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) નિયમો-2020ના નિયમ પ(પાંચ) ના પેટા નિયમ પાંચ મુજબ તપાસ હાથ ધરતી વખતે મહેસૂલ રેકોર્ડ સહિત તપાસ દરમિયાન પક્ષકારો દ્વારા રજુ કરાયેલા તમામ દલ્તાવેજો ધ્યાન લઈ તપાસ અહેવાન રજુ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરાવવા દરેક જિલ્લા કલેકટરો ઉપરાંત દરેક ડી.ડી.ઓ. પોલીસ કમિશ્નર જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુ.કમિશ્નરોને આદેશ કરાયા છે.