Paris,તા.31
પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની બેડમિન્ટનમાં ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. 22 વર્ષીય સેને 21-18, 21-12થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતને હવે બેડમિન્ટનમાં બે મેડલની આશા જાગી છે. કારણ કે અગાઉ બબ્બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
લક્ષ્ય અને જોનાથન અગાઉ 4 વખત આમને સામને ટકરાઇ ચૂક્યા છે જેમાં લક્ષ્ય સેનનો 3 વખત પરાજય થયો હતો. આજે પણ શરૂઆતમાં લક્ષ્ય 8-2થી પાછળ હતો પરંતુ ત્યાર બાદ તેણે વાપસી કરતાં પ્રથમ સેટ જીતી લીધો હતો અને ત્યાર બાદ બીજો સેટ પણ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. લક્ષ્યએ ગ્રૂપ Lમાં ટોપ કર્યું હતું અને હવે નોકઆઉટ એટલે કે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
તો બીજી તરફ શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગની ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. ભારતે આ ઇવેન્ટમાં પહેલી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીયોએ અનેક રેકોર્ડ તોડયા છે અને નવી નવી રમતોમાં ફાઇનલ સુધીની સફર ખેડી છે. અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. તો આ જ શૂટિંગ ઇવેન્ટની મિક્સ્ડ ડબલ્સમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્ટલમાં દક્ષિણ કોરિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.
તો બીજી તરફ બેડમિન્ટનમાં ચિરાગ અને સાત્વિકની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે મનિકા બત્રા ટેબલ ટેનિસમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા સિંગલ ખેલાડી બની ગઈ હતી. આજે પાંચમા દિવસે ભારતની ટેબલ ટેનિસ પ્લેયર શ્રીજા અકુલા પણ રાઉન્ડ ઑફ 32ની મેચ રમવા ઉતરી હતી.