Kutch ના નાના રણમાં ઠંડીનો પારો 12 ડીગ્રી પહોંચ્યો

Share:

Kutch, તા. 26
રાજ્યમાં થયેલા ઉત્તર પૂર્વી ઠંડા પવનના કારણે કાતિલ ઠંડીનું જોર વધ્યુ છે. એમાય કચ્છના નાના રણમાં ઠંડીનો પારો ગગડીને 12 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં અગરિયાઓ કાતિલ ઠંડીમાં ઠુઠવાયા હતા. ત્યારે રણમાં રાત-દિવસ 24 કલાક પાણીમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. રણકાંઠાનાં અંદાજે 2000 અગરિયા પરીવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષનાં આઠ મહિના ગાત્રો થીજાવતી કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વી ઠંડા પવન શરૂ થયા છે. વધુમાં જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં હિમવર્ષા અને શીત લહેરના પગલે ઠંડા પવનથી કાતિલ ઠંડી નોંધાતા લોકોને ગરમ કપડા પહેરવાની ફરજ ઉભી થઇ છે. એમાય બુધવારે રણમાં ઠંડીનો પારો ગગડીને 12 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ઠુઠવાયા હતા.

એમાય રણમાં રાત-દિવસ 24 કલાક ઉઘાડા પગે પાણીમાં રહીને મીઠું પકવવાનું કામ કરતા અગરીયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. જેમાં રણમાં પડતી કડકડતી ઠંડીમાં સૌથી કફોડી હાલત વૃધ્ધ અગરિયાઓ, મહિલાઓ અને ભુલકાઓની થઇ હતી.

રણમાં અગરિયાઓ માટે દિવસ તો ગમે તેમ કરીને પસાર થઇ જાય છે. પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં એમના માટે કંતાનના ઝુપડામાં રણમાં રાત પસાર કરવી અસહ્ય બની જાય છે. રણમાં કોઇપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતુ જશે.

કચ્છના નાના રણમાં નર્મદાનું વધુ પ્રમાણમાં પાણી ફરી વળતા અગરીયા સમુદાય પાયમાલ થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં રણમાં કમોસમી માવઠાની આશંકાએ અગરિયાઓનો જીવ પડીકે બંધાયો છે. અને જો રણમાં કમોસમી વરસાદ ખાબકે તો અગરીયા સમુદાયની બે મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરીયા સમુદાયનો મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જવાની દહેશત ઉભી થઇ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *