Mumbai,તા.૨૪
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. કોહલીએ આ મેચમાં ભારત માટે એક ખાસ ચમત્કાર કર્યો છે. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો છે. કોહલી હવે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૪ હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
કોહલીએ ૨૯૯મી વનડે મેચની ૨૮૭મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ સચિનના નામે હતો જેણે પોતાની ૩૫૦મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન પછી શ્રીલંકાના કુમાર સંગાકારા હતા જેમણે ૩૭૮ ઇનિંગ્સમાં ૧૪ હજાર વનડે રન બનાવ્યા હતા.
નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં કોહલીએ બાંગ્લાદેશ સામે ૨૨ રન બનાવ્યા હતા. ત્યારે તે આ ઐતિહાસિક રેકોર્ડથી માત્ર ૧૫ રન દૂર હતો. પરંતુ હવે તેમણે દુબઈમાં પાકિસ્તાન સામે રમાયેલી આ મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલીએ ૧૩મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો છે.
વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૪૦૦૦ રન બનાવનાર બેટ્સમેન
વિરાટ કોહલી- ૨૮૭ ઇનિંગ્સ
સચિન તેંડુલકર- ૩૫૦ ઇનિંગ્સ
કુમાર સંગાકારા – ૩૭૮ ઇનિંગ્સ
ભારત માટે વનડે ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી
વિરાટ કોહલીએ ૨૦૦૮માં ટીમ ઈન્ડિયા તરફથી વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે અત્યાર સુધી ૨૯૯ વનડે મેચોમાં કુલ ૧૪૦૦૦થી વધારે રન બનાવ્યા છે, જેમાં તેમણે ૫૦ સદી અને ૭૪ અડધી સદી ફટકારી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે ૧૨૩ ટેસ્ટ અને ૧૨૫ ટી ૨૦ મેચ પણ રમી છે. ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ૧૦૦થી વધુ મેચ રમનાર તે એકમાત્ર બેટ્સમેન છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પાકિસ્તાન સામેની આ મેચમાં એક રન બનાવીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. તે ઓપનર તરીકે વનડેમાં ૯૦૦૦ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે ઓપનર તરીકે ૧૮૧ વનડે ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમણે ૧૯૭ ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.