અગાઉ ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામે જે પ્રકારે તે રમ્યો હતો તેનું ઓસ્ટ્રેલિયામાં તે પુનરાવર્તન કરી શકે છે
New Delhi, તા.૨૩
ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે ભારતના સ્ટીલિશ ક્રિકેટર કે એલ રાહુલને લઈને નિવેદન કર્યું છે. ગાવસ્કરે રાહુલ પર વિશ્વાસ મુકતા જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી ફોર્મવિહોણો જણાતો રાહુલ ઓસ્ટ્રેલિયા સામે રન કરવામાં સફળ થશે. અગાઉ ગત વર્ષે દક્ષિણ આળિકા સામે જે પ્રકારે તે રમ્યો હતો તેનું ઓસ્ટ્રેલિયામાં તે પુનરાવર્તન કરી શકે છે.ભારતીય ટીમનો નિયમિત સુકાની રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નથી રમી રહ્યો જેને પગલે ભારત પાસે રિઝર્વ ઓપનર અભિમન્યુ ઈશ્વરન તથા કેએલ રાહુલ બંનેમાંથી કોઈ એકને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગમાં ઉતારવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ રાહુલને લઈને મક્કમ છે. ગત વર્ષે તેણે ઓપનર તરીકે સેન્ચુરિયનમાં સદી ફટકારી હતી. પરંતુ ભારત તરફથી ૫૩ ટેસ્ટ રમી ચુકેલો રાહુલ સાતત્યપૂર્ણ દેખાવ કરી શક્યો નથી.ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, કે એલ રાહુલને ભાગ્યનો થોડો સાથ મળશે તો તે ઓસ્ટ્રેલિયા સામે પણ શાનદાર દેખાવ કરશે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનના મતે ટેસ્ટ ક્રિકેટમાં ટીમે તેના શ્રેષ્ઠ બોલર્સને રમાડવા જોઈએ. ભલે ટીમમાં બે સ્પિનર્સનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ તે પણ શ્રેષ્ઠ હોવા જોઈએ. પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમમાં નવોદીત ઓલરાઉન્ડર નિતિશ રેડ્ડીને તક મળે તેવી શક્યતા છે. નિતિશ ચોથા પેસર બોલર તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે.