Rajkot તા.3
રાજકોટ ખાતે આગામી તા.4ના રોજ મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ રમતોત્સવનો ભવ્ય પ્રારંભ થનાર છે. ત્યારે આ ખેલ મહોત્સવમાં રાજયભરમાંથી અસંખ્ય ખેલાડીઓ જુદી જુદી ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવનાર છે. આથી ખેલાડીઓને તેના સ્થળથી ખેલ મહાકુંભના સ્થળ સુધી સરળતાથી અવર જવર થઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રના જુદા જુદા જીલ્લા જેમ કે મોરબી, રાજકોટ, જામનગર અને જુનાગઢના ખેલાડીઓ રાજકોટ ખાતે ખેલ મહાકુંભમાં તા.4ના રોજ સરળતાથી આવી શકે તે માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટે 140 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી નિગમે રાજયભરમાં દરેક જીલ્લામાં એસટી વિભાગોને ખેલાડીઓ માટે એકસ્ટ્રા બસો જરૂરીયાત મુજબ દોડાવવાની સુચના આપેલ છે. આથી રાજયકક્ષાએથી પણ જુદા જુદા જીલ્લાઓમાંથી એસટીની જુદી જુદી એકસ્ટ્રા બસો ખેલ મહાકુંભમાં દોડાવવામાં આવશે.