Mumbai તા.24
શું તમે સવાલોના જવાબો આપીને માલામાલ બનવા માટે તૈયાર છો? જો હા તો અમિતાભ બચ્ચન પણ સોની ટીવી સાથે તૈયાર છે. ‘કૌન બનેગા કરોડપતિ’ એટલે કે KBC એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત ટેલિવિઝન ગેમ શોમાંનો એક છે, જેને અમિતાભ બચ્ચન વર્ષોથી હોસ્ટ કરી રહ્યાં છે. આ શોએ તેમના જ્ઞાનના બળ પર ઘણા લોકોના સપના સાકાર કર્યા છે. નિર્માતાઓએ શોની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે.
‘કૌન બનેગા કરોડપતિ’ શો ફરી એકવાર દર્શકોની વચ્ચે આવવા માટે તૈયાર છે. ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 16’નો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં બિગ બીનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રોમો જોયા પછી ચાહકો પણ એ જાણવા માટે ઉત્સુક બન્યા છે કે તેઓ ‘KBC 16’ ક્યારે અને ક્યાં જોઈ શકશે.
સોની ટીવીનો રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની ખૂબ જ મજબૂત ફેન ફોલોઈંગ છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. દર વર્ષની જેમ આ વખતે પણ દર્શકો તેની 16મી સીઝનની રાહ જોઈ રહ્યા હતા.
‘તાજેતરમાં નિર્માતાઓએ ઘણા પ્રોમો શેર કર્યા હતા. પ્રોમોમાં એક માતા પોતાની છોકરીને ઠપકો આપી રહી છે, ‘તારા જેવી પર્વત ચડતી છોકરી સાથે કોણ લગ્ન કરશે?’ આ પછી છોકરી તેની માતાને જવાબમાં કહે છે, ‘મા, એવો છોકરો લગ્ન કરશે જેની વિચારસરણી પહાડોથી પણ ઉંચી હશે.’ આ પછી બિગ બી કહેતા જોવા મળે છે કે ‘જીવન દરેક વળાંક પર સવાલ પૂછશે, તમારે જવાબ આપવા પડશે’.
આ સિઝનમાં ઘણી બધી નવી વસ્તુઓ બનવા જઈ રહી છે, જેની ઝલક પ્રોમોમાં પણ જોઈ શકાય છે. આ વખતે શોની ટેગ લાઇન પણ બદલાઇ ગઇ છે, “જીંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.”
‘કૌન બનેગા કરોડપતિ સીઝન 16’ આવતા મહિને 12મી ઓગસ્ટે પ્રીમિયર થવાનો છે. જેને લઇને દર્શકોનો ઉત્સાહ બમણો થઇ રહ્યો છે. એટલે કે, દર્શકો ‘કૌન બનેગા કરોડપતિ સિઝન 16’ 12 ઓગસ્ટ, સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર જોઈ શકશે.
‘કૌન બનેગા કરોડપતિ’ એ ભારતના સૌથી લોકપ્રિય ટીવી ગેમ શોમાંનો એક છે. આ શોનું પ્રીમિયર વર્ષ 2000માં થયું હતું. ‘KBC’ માટે રજિસ્ટ્રેશન 26 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. આ પછી, એકવાર સ્પર્ધકોની પસંદગી થઈ જાય, પછી શોનું પ્રસારણ કરવામાં આવશે.