કન્નડ સ્ટાર સૂરિયાની ફિલ્મ ‘કંગુવા’ ખૂબ મોટા બજેટમાં બનેલો એક ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો
Mumbai, તા.૧૩
કન્નડ સ્ટાર સૂરિયાની ફિલ્મ ‘કંગુવા’ ખૂબ મોટા બજેટમાં બનેલો એક ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાયેલી આ ફિલ્મ ઓટીટી પર આવી ચૂકી છે. ડિરેક્ટર સિવાની આ ફિલ્મને વિવેચકો અને ફિલ્મરસિકોએ લાગણી કે ભાવનાઓ વિનાની માત્ર મશીનની જેમ ચાલતી ફિલ્મ સાથે સરખાવી હતી. આ ફિલ્મ અંગે રિલીઝ પહેલાં ખૂબ હાઇપ ઊભી કરવામાં આવી હતી.તેથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બિલકુલ ન ચાલી હોવા છતાં તેના ઓટીટી રિલીઝની પણ ઘણી રાહ જોવાતી હતી. ત્યારે અંતે સોમવારે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવાની શરૂ થઈ છે. તેમાં રસપ્રદ વાત એ છે કે લોકો તરફથી મળેલા પ્રતિસાદ અને ટીકાઓને ધ્યાનમાં રાખીને મેકર્સ દ્વારા આ ફિલ્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને ફિલ્મ ઘણી ટૂંકાવી દેવામાં આવી છે. ડિજીટલ પ્લેટફર્મ પર આવેલી ફિલ્મમાં ૧૨ મિનિટના દૃશ્ય કાપી નાખવામાં આવ્યા છે. થોડાં દિવસોમાં ખ્યાલ આવશે કે દર્શકોને આ ટૂંકી ફિલ્મ થિએટરમાં આવેલી ફિલ્મની સરખામણીએ કેટલી પસંદ પડે છે. આ ફિલ્મથી બૉબી દેઓલે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. જ્યારે દિશા પટાણી આ ફિલ્મમાં લીડ રોલમાં છે. બૉબી દેઓલ આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. જ્યારે સૂરિયાએ આ ફિલ્મમાં ડબલ રોલ કર્યા છે. દેવી શ્રી પ્રસાદે આ ફિલ્મનું સંગીત આપ્યું છે.