Himachal Pradesh,તા,25
હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે.
કંગના રણૌતે શું કહ્યું?
કંગના રનૌતે કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.’ જો કે પાર્ટીએ કંગનાના આ નિવેદન પર પાછીપાની કરી લીધી છે.
કંગનાના નિવેદન પર પાર્ટીએ કરી સ્પષ્ટતા
પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં, ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા કૃષિ કાયદાના વિષયમાં સોશિયલ મીડિયા પર કંગના રણૌતનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કંગના રનૌતનું અંગત નિવેદન છે. કંગના રનૌત પાર્ટી વતી સત્તાવાર નિવેદન આપવા માટે અધિકૃત નથી. તેમનું નિવેદન કૃષિ કાયદાઓ પર પક્ષનો મત નથી. અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ.’
આ નિવેદનની વિપક્ષ દ્વારા આકરી ટીકા
કોંગ્રેસે કંગનાના નિવેદનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતી વખતે 750થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેને ફરીથી લાગુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. હરિયાણા આ બાબતે પહેલા જવાબ આપશે.’
ભારે વિરોધ બાદ સરકારે કાયદા પાછા લીધા હતા
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ત્રણ કૃષિ કાયદાને સંસદમાં પાસ કરાવ્યા હતા. ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) અધિનિયમ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ 2020 નામના આ કાયદાઓનો ખૂબ વિરોધ થયો. દિલ્હીના રસ્તા પર ખેડૂત એક વર્ષથી વધુ સમય સુધી ધરણા પર બેસેલા રહ્યાં. અંતમાં નવેમ્બર 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાને એ કહેતાં રદ કરવાની જાહેરાત કરી કે તેઓ ખેડૂતોને સમજાવી શક્યા નહીં.’