New Delhi,તા.29
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌત ખેડૂતો પરના પોતાના નિવેદનને લઈને વિપક્ષ દ્વારા પ્રહારો કરી રહ્યાં છે, ત્યારે કંગના જાતિગત વસ્તી ગણતરી પરના પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવી છે. આ દરમિયાન, આજે (29 ઑગસ્ટે) ભારે વિવાદ વચ્ચે કંગનાએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
નીતિગત વિષયો પર ન બોલવા નિર્દેશ
જેપી નડ્ડાએ કંગનાને કહ્યું કે, ‘જો તમારે વાત કરવી હોય તો તમારા સંસદ ક્ષેત્ર વિશે વાત કરવી જોઈએ, ત્યાંની સમસ્યા વિશે વાત કરવી જોઈએ. પરંતુ નીતિગત મુદ્દે અને જે ક્યાંકને ક્યાંક સરકાર સાથે જોડાયેલી પાર્ટીના ટોચના નેતૃત્વમાં નિર્ણય લેવામાં આવે છે, આવા મુદ્દા પર તમે નિવેદન ન આપો. તમે સાંસદ જરૂર છો, પરંતુ તમે નીતિગત બાબતો પર અધિકૃત નથી અને ન તો તમને તેના પર બોલવાની મંજૂરી છે.’
ભાજપે કંગનાને સમજાવવાની કોશિશ કરી
ભાજપ કંપનાના નિવેદનને લઈને પોતાનો નફો-નુકસાન જોઈ રહી છે. જ્યારે કિસાન નેતાઓને લઈને આ પ્રકારના નિવેદન આપવામાં આવે છે, ત્યારે તેના પર પ્રતિક્રિયા જોવા મળે છે. જેમાં ભાજપે કંગનાને સમજાવવાની કોશિશ કરી છે.
કોંગ્રેસે શું કહ્યું ?
આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કંગનાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કંગના કહી રહી હતી કે, ‘દેશમાં જાતિગત વસ્તી ગણતરી બિલકુલ થવી જોઈએ નહીં.’ જ્યારે કંગનાના આ પ્રકારના નવિદેન પાછળ કોંગ્રેસે ભાજપના વિચારો હોવાનું જણાવી, ભાજપ જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહી હોવાનું કહ્યું હતું.
JDU દેશભરમાં જાતિગત વસ્તી ગણતરીના પક્ષમાં
કોંગ્રેસના પ્રહારો પછી JDU નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે, ‘ભાજપે કંગના રનૌતના નિવેદનોથી પોતાને દૂર રાખ્યા છે, કંગના ભાજપના સત્તાવાર પ્રવક્તા નથી. JDU દેશભરમાં જાતિગત વસ્તી ગણતરીના પક્ષમાં છે.’
વિપક્ષે ભાજપ પર નિશાનો સાધ્યો
તાજેતરમાં જ કંગનાએ કહ્યું હતું કે, ‘જો દેશનું નેતૃત્વ મજબૂત ના હોત તો ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા થઈ શકતી હતી.’ કંગનાએ આરોપ લગાવ્યો હતો કે, ‘ખેડૂતોના વિરોધ દરમિયાન લાશ લટકતી રહી હતી અને દુષ્કર્મ થઈ રહ્યા હતા. જાટ ખેડૂત પ્રભુત્વ ધરાવતા હરિયાણામાં 1 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે વિપક્ષે આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યો હતો.’
નીતિગત બાબતો પર ટિપ્પણી કરવાની મંજૂરી કે અધિકૃતતા નથી
આ બધા વચ્ચે ભાજપે પોતાના સાંસદના વિચારોથી અસહમતિ વ્યક્ત કરીને સ્પષ્ટ કર્યું હતું કે, ‘તેમને પક્ષની નીતિગત બાબતો પર ટિપ્પણી કરવાની મંજૂરી કે અધિકૃતતા નથી.’ તેવામાં ભાજપને લાગ્યું કે આનું નુકસાન હરિયાણામાં થઈ શકે છે, પરંતુ ત્યાં ભાજપને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.