કંગના રણૌત તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને ઘણી ઉત્સાહિત જોવા મળી રહી છે, ત્યારે કંગના આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન કંગનાએ જણાવ્યું છે કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની વિરુદ્ધમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાથી ફિલ્મ બનાવતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી.’ કંગનાનો દાવો છે કે, ‘ઘણા કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર્સ અને એક્ટર્સે તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.’
અભિનેતાઓને મારી સાથે કામ ન કરવા માટે ફોન આવતા…
કંગનાએ કહ્યું કે, ‘તેના વિરુદ્ધ ઘણું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને લોકોને તેમની વિરુદ્ધ કામ કરવાની મનાઈ કરવામાં આવી છે. અભિનેતાઓને મારી સાથે કામ ન કરવા માટે ફોન આવતા હતા.’
આ દુનિયાની બેસ્ટ ફિલિંગ છે
તેણે કહ્યું કે, ‘હું ખુશનસીબ છું કે આટલી મુશ્કેલી હોવા છતાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક અને મહિમા ચૌધરી જેવા એક્ટર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યું. આ દુનિયાની બેસ્ટ ફિલિંગ છે કે જ્યારે આપણા મુશ્કેલીના સમયે પણ લોકો આપણી સાથે કામ કરવા માટે તૈયાર હોય. ‘ઈમરજન્સી’માં અમારી કાસ્ટે કામ કરવાની સાથે મને રિસ્પેક્ટ અને પ્રેમ પણ આપ્યો છે.’
મારી ફિલ્મમાં ભાગ લેવો સહેલું નથી
અગાઉ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે કંગનાએ ક્હ્યું હતું કે, ‘ફિલ્મને બનાવવામાં ઘણી મુશ્કેલી આવી હતી. કોઈપણ ફિલ્મ બનાવતી વખતે મુશ્કેલી આવતી હોય છે અને પછી કોઈ એન્જલ્સ આવીને આવા સમયે તમારો સાથ આપે છે. હું મારી કાસ્ટનો આભાર માનું છું. બધા જાણે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા મારો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને મારી સાથે ઊભા રહેવું સરળ નથી. મારી ફિલ્મમાં ભાગ લેવો સહેલું નથી.’