Kamala Harris બનશે અમેરિકાના પ્રમુખ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ‘ધ સિમ્પસન્સ’ની એક ઔર ભવિષ્યવાણી

Share:

America,તા.22

અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન વચ્ચે ટક્કર થવાની હતી, પણ નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે બાઇડને સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી દીધી છે. 81 વર્ષના બાઇડેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો નિર્ણય જણાવ્યો હતો, એમના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહેલા કમલા હેરિસનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમની ઉમેદવારી બાબતે એમને સમર્થન આપ્યું હતું.

પરિણામે હવે ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના કમલા હેરિસનું નામ સૌથી આગળ મૂકાઈ રહ્યું છે. કમલા હેરિસને ઉમેદવાર ઠરાવતી ઓફિશિયલ જાહેરાત એમની પાર્ટી દ્વારા નથી કરવામાં આવી, પણ એમના પ્રમુખપદ બાબતે એક રસપ્રદ વાત સામે આવી છે. ચાલો જાણીએ કે શું છે એ રસપ્રદ વાત.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ભવિષ્યવાણી

અમેરિકન કાર્ટૂન શો ‘ધ સિમ્પસન્સ’માં આજકાલ નહીં પૂરા 20 વર્ષ અગાઉ કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ બનશે, એવી ભવિષ્યવાણી થઈ ચૂકી હતી! જી, હા. આવો દાવો કરતી એકથી વધુ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જે પૈકીની એક પોસ્ટ તો ખુદ એ શોના લેખક અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરની છે.

શું છે ધ સિમ્પસન્સની એ ભવિષ્યવાણી?

‘ધ સિમ્પસન્સ’ના વર્ષ 2000 માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં લિસા સિમ્પસન નામના એક મહિલા પાત્રને અમેરિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. અગિયારમી સિઝનના સત્તરમાં એપિસોડમાં એવું દેખાડેલું કે ઓવલ ઓફિસમાં પ્રમુખપદની ખુરશીમાં બેઠેલા લિસા ભૂતપૂર્વ ‘પ્રેસિડેન્ટ ટ્રમ્પ’ દ્વારા સર્જાયેલી બજેટ કટોકટી બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. એ દૃશ્યમાં લિસાને જાંબલી રંગનો પેન્ટસૂટ અને ગળામાં મોતીનો હાર પહેરેલા દેખાડાયા હતાં. જોગાનુજોગ કહો કે ભવિષ્યવાણી, પણ કમલા હેરિસે એવા જ કપડાં અને હાર 2021ના જો બાઇડનના પ્રમુખપદે આરુઢ થતી વેળાના સમારંભ દરમિયાન પહેર્યા હતાં.

‘ધ સિમ્પસન્સ’ના એ દૃશ્યના ફોટા અને વીડિયો તથા કમલા હેરિસના એ ગેટઅપના ફોટા હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. અનેક લોકોએ એ પ્રકારની પોસ્ટ મૂકી છે. શોના લેખક અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર એવા અલ જોને પણ એક પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ધ સિમ્પસન્સ દ્વારા કરાયેલ એ ભવિષ્યવાણીનો ભાગ હોવાનો મને ગર્વ છે.’

ટ્રમ્પના કેસમાં પણ સાચી પડેલી ધ સિમ્પસન્સની ભવિષ્યવાણી

1998માં શરૂ થયેલા અને પાંત્રીસ વર્ષ પછી હજુ પણ ચાલતા આ કાર્ટૂન શોમાં અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ માટેની બે ભવિષ્યવાણીઓ પણ સાચી પડી હતી. પહેલી ભવિષ્યવાણી હતી ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકન પ્રમુખ બનવા બાબતની અને બીજી હતી તાજેતરમાં ટ્રમ્પ પર થયેલા ગોળીબારની. 13 જુલાઈ, શનિવારની સાંજે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીપ્રચારના ભાગરૂપે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમના પર ગોળીબાર થયો હતો. હુમલામાં એક ગોળી ટ્રમ્પનો કાન વીંધીને નીકળી ગઈ હતી. પોલીસકર્મીઓએ વળતો ગોળીબાર કરીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધો હતો.

એ ઘટના ‘ધ સિમ્પસન્સ’ના 2015માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં જ દેખાડી દેવાયેલી. એમાં એવું દેખાડાયું હતું કે ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો છે, ત્યારે એના પર ગોળી છોડવામાં આવે છે. સીનના બેકગ્રાઉન્ડમાં ‘ટ્રમ્પ 2024’ લખેલું બેનર પણ દેખાય છે. એ પછી ટ્રમ્પ એક શબપેટીમાં આંખ બંધ કરીને પડેલા દેખાય છે. જાણે કે અવસાન પામ્યા હોય.

ખરેખર ભવિષ્યવાણી કે અડસટ્ટે જ?

ટ્રમ્પ પર થયેલા હુમલા સમયે પણ ‘ધ સિમ્પસન્સ’ની ભવિષ્યવાણીના સંદર્ભમાં સોશિયલ મીડિયા ગરમાઈ ગયું હતું અને હવે કમલા હેરિસ બાબતે પણ એમ જ થઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આ કાર્ટૂન શૉ દ્વારા સચોટ ભવિષ્યવાણી કરાઈ હતી કે પછી આ બધા ફક્ત યોગાનુયોગ જ છે? જો ખરેખર ‘ધ સિમ્પસન્સ’ની ભવિષ્યવાણીઓ સચોટ હોય તો પછી એની આગામી કઈ ભવિષ્યવાણી સાચી પડે છે, એની સૌને રાહ રહેશે.

કાર્ટૂન શોની ભવિષ્યવાણી મુજબ કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ બનશે કે કેમ, એ તો સમય જ કહેશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *