Junagadh,તા.06
જૂનાગઢ મહાનગર ભાજપા પ્રમુખ તરીકે પ્રદેશ મોવડીએ ગૌરવ રૂપારેલિયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે અને ગૌરવ રૂપારેલિયાને જૂનાગઢ ભારતીય જનતા પક્ષના મહાનગર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ગૌરવ રૂપારેલિયાને ભાજપા અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ગૌરવ રૂપારેલિયા શહેરના જાણીતા બિલ્ડરની સાથે લોહાણા સમાજના અગ્રણી અને અગાઉ જૂનાગઢ શહેર ભાજપાના યુવા પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે તાજેતરમાં ગિરનાર કમલમ ખાતે નિરીક્ષકો સમક્ષ પોતાના ટેકેદારો સાથે કુલ ૪૩ ભાજપા અગ્રણીઓએ દાવેદારી નોંધાવી હતી, જેમાં પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ સરકારી વકીલ તથા ભાજપના વિવિધ મોરચાના હોદેદારો સહિત ૬ મહિલા અગ્રણીઓએ જૂનાગઢ મહાનગરના ભાજપાના સર્વોચ્ચ સ્થાન માટે દાવેદારી નોંધાવી હતી.
એક વાત મુજબ, જૂનાગઢ મહાનગરના ભાજપાના આ સર્વોચ્ચ સ્થાન માટે દાવેદારો દ્વારા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીનું ભારે લોબિંગ કરાયું હતું, તો ક્યાંક ટાંટિયા ખેંચ માટેના દાવ પ્રપંચ પણ ખેલાયા હતા, અંતે પ્રદેશ ભાજપા દ્વારા આજે જુનાગઢ મહાનગર ભાજપા પ્રમુખ માટે ગૌરવ રૂપારેલિયા પર પસંદગીની મહોર મારવામાં આવી હતી.
આમ જોઈએ તો, જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ તરીકે પુનીત શર્મા એ છેલ્લી બે ટર્મથી જવાબદારી સંભાળી હતી, જે દરમિયાન ધારાસભા, સંસદની ચૂંટણી આવી હતી અને જૂનાગઢ શહેરમાં ભાજપ તરફે ખૂબ સારા પરિણામ આવ્યા હતા અને તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પુનીત શર્મા રાજકીય પંડિતોને માથા ખંજોળતા પરિણામો આપવામાં સફળ રહ્યા હતા, એક બાજુ મનપામાં કોંગ્રેસ સતા પર આવશે તેવા ખુદ ભાજપના આંતરિક જૂથો ચર્ચા કરતા હતા ત્યારે ભાજપે જૂનાગઢ મહાનગરપાલિકામાં ૪૮ બેઠકો અંકે કરી હતી, જેમાં ભાજપની ૮ બેઠકો બિનહરીફ સામેલ છે. તો બીજી બાજુ જૂનાગઢ મહાનગર ભાજપા પ્રમુખ સામે ભાજપના જ અન્ય નારાજ અગ્રણીઓ તથા ભાજપાના આંતરિક જૂથો દ્વારા ભ્રષ્ટાચાર, પાર્ટીમાં પોતાની મનમાની કરતા હોવા સહિતના ગંભીર આક્ષેપો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચાતા રહ્યા હતા, છતાંપણ પુનીત શર્મા ફરી એક વખત મહાનગર પ્રમુખ તરીકે રીપીટ થાય તેવી વાતો જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ આજે ડીકલેર થયેલ નામથી ભાજપામાં પણ ક્યાંક ખુશી ક્યાંક ગામ જેવો માહોલ છવાયો છે.