Jharkhand Assemblyમાં બન્યો રેકોર્ડઃ રવિન્દ્રનાથ મહતો સતત બીજી વખત સ્પીકર બન્યા

Share:

Ranchi,તા.૧૦

ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. બીજા દિવસે રવીન્દ્રનાથ મહતો ઝારખંડ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. આ સાથે તેઓ સતત બીજી વખત આ પદ માટે ચૂંટાયા છે. ઝારખંડ વિધાનસભાનું વિશેષ સત્ર ૯ ડિસેમ્બરથી શરૂ થયું છે, જે ૧૨ ડિસેમ્બર સુધી ચાલશે.

વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મુખ્યપ્રધાન હેમંત સોરેને સ્પીકર તરીકે ધારાસભ્ય રવિન્દ્રનાથ મહતોના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ધારાસભ્ય મથુરા મહતોએ ટેકો આપ્યો હતો. જે બાદ તેમને સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સીએમ હેમંત સોરેન અને બાબુલાલ મરાંડીએ તેમને સન્માન સાથે આસન પર બેસાડ્યા. રવીન્દ્રનાથ મહતો સતત બીજી વખત વિધાનસભાના સ્પીકર બન્યા છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાવા બદલ રવીન્દ્રનાથ મહતોને અભિનંદન પાઠવતા કહ્યું કે, તમે ગૃહની ગરિમાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્યના સર્વાંગી વિકાસમાં શાસક પક્ષની સાથે વિપક્ષની પણ ભૂમિકા છે. ચૂંટણીમાં જનતાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.

રવીન્દ્રનાથ મહતો સતત બીજી વખત સ્પીકર બનનાર પ્રથમ ધારાસભ્ય બન્યા છે. તમને જણાવી દઈએ કે ઝારખંડમાં અત્યાર સુધી એવો રેકોર્ડ છે કે કોઈ ધારાસભ્ય એકથી વધુ વખત સ્પીકર બની શક્યા નથી. તેમજ અધ્યક્ષ પદ પર રહીને કોઈપણ જનપ્રતિનિધિ વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા નથી, પરંતુ રવીન્દ્રનાથ મહતોએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

બાબુલાલ મરાંડીએ રવીન્દ્રનાથ મહતોને બિનહરીફ સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે, વિનંતી કરવામાં આવે છે કે જ્યારે પણ કોઈપણ ધારાસભ્ય ગૃહમાં કોઈ મામલો ઉઠાવે છે, ત્યારે તેનો ઉકેલ લાવવો જોઈએ. સાથે જ ગૃહના કસ્ટોડિયન તરીકે દરેકને તક આપવી જોઈએ, તેનાથી નવા ધારાસભ્યોમાં વિશ્વાસ વધશે.

રવીન્દ્રનાથ મહતોએ સંથાલ પરગણા વિભાગની નાલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી, તેઓ આ બેઠક પરથી સતત ત્રીજી વખત જીત્યા છે. રવીન્દ્રનાથ મહતો ૨૦૦૫માં પ્રથમ વખત નાલા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. જોકે, ૨૦૦૯માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ પછી તેમણે વર્ષ ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં જેએમએમ ઉમેદવાર તરીકે સતત ચૂંટણી જીતી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *