Jharkhand માં ચૂંટણી પૂરી થતાં જ બીજેપીનો સીએમ ચહેરો કોણ હોઈ શકે તે અંગે ચર્ચા શરૂ

Share:

Ranchi,તા.૨૧

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. રાજ્યની કુલ ૮૧ વિધાનસભા બેઠકો માટે ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પછીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની જીતની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે જો ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો રાજ્યમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે. તમને જણાવી દઈએ કે પાર્ટીએ આખા ચૂંટણી પ્રચારમાં કોઈ સીએમ ચહેરાની જાહેરાત કરી નથી. હવે ઝારખંડ બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટો સંકેત આપ્યો છે.

ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ રાજ્યમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને નિવેદન જાહેર કર્યું છે. સીએમ પદ માટે તેમના નામની ચર્ચા થઈ રહી છે તે અંગે પૂછવામાં આવતા બાબુલાલ મરાંડીએ કહ્યું – “હું પ્રદેશ અધ્યક્ષ હોઉં તો ચર્ચા થાય તે સ્વાભાવિક છે.” તમને જણાવી દઈએ કે બાબુલાલ મરાંડી ઝારખંડમાં ભાજપના સૌથી મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક છે. બિહારથી અલગ ઝારખંડની રચના બાદ તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી પણ બન્યા હતા.

ઝારખંડ બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડી રાજ્યની ધનવર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. ચૂંટણી બાદ બાબુલાલ મરાંડીએ કહ્યું કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએ આગળ છે. બાબુલાલ મરાંડીએ વધુમાં દાવો કર્યો હતો કે ભાજપ અને એનડીએ ૫૧  બેઠકો જીતીને સરકાર બનાવશે. મરાંડીએ કહ્યું કે વિરોધ પક્ષો સમજી ગયા છે કે તેઓ ખરાબ રીતે હારવાના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *