Junagadh, તા.1
ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી કોઇને વિરોધ કરવા કે ફોર્મ ભરવા કે રજુઆત કરવાનો સમય જ ન અપાયો. નવી બોટલમાં જુનો દારૂ ભર્યો હોય તેમ પરિવારવાદમાં જ મોટા ભાગની ટીકીટોની વહેંચણી કરી જુથવાદ-બળવાખોરોથી ડરી જઇને ભાજપે જે કોર્પોરેટરોને નિયમ મુજબ ત્રણ ટર્મ પુરી થઇ ગઇ હોય.
60 વર્ષ જે કોર્પોરેટરોને પુરા થઇ ગયા હોય તેમની જગ્યાએ તેમના પરિવાર-દિકરા સહિતને ટીકીટ આપી બળવો કે વિરોધ ન થાય તેનાથી ડરી જઇને લગભગ જુના જોગીઓને ફરી ટીકીટ આપી દેવામાં આવી હોવાનું ઠેર-ઠેર ચર્ચાઇ રહ્યું છે.
આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વોર્ડના 1 થી 15ના ઉમેદવારોની યાદી જાહેર કરી છે જ્યારે વોર્ડ નં. 8ની યાદી આ લખાય છે ત્યારે હજુ નામો જાહેર કરવામાં આવ્યા નથી. 2002થી અમલમાં આવેલી જુનાગઢ મહાનગર પાલિકામાં 2004માં પ્રથમ ચૂંટણી યોજવામાં આવેલ અને ભાજપએ ધારાસભ્ય મહેન્દ્ર મશરુને નામે સત્તા મેળવી લીધી હતી.
બાદ 2009 થી 2014માં ભાજપમાં આવેલા સ્વ. સતિષ કેપ્ટન-વિરડા અને સ્વ. લાખાભાઇ પરમારને વાંધો પડતા ફરી તેના મુળ સ્થાને કોંગીમાં જતા રહેતા જે તે સમયે નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. ભાવનાબેન ચિખલીયા, સ્વ. પૂર્વ કેબીનેટ મંત્રી મોલા પટેલ, ધારાસભ્ય નગર શ્રેષ્ઠી કાળુભાઇ સુખવાણીને વોર્ડમાં ઉતારીને ટીકીટ આપી હતી.
તેઓ જીત્યા ખરા પણ સત્તા કોંગી પાસે જતી રહી હતી. 2014થી 2019માં ફરી ભાજપએ સત્તા હાંસલ કરી કોંગીમાંથી આવેલ ગીરીશ કોટેચા સહિતનાઓને હોદાઓ આપી સ્વ. જીતુભાઇ હીરપરા અને આધ્યાશક્તિબેન મજમુદારને મેયર બનાવ્યા હતા. ફરી 2019થી 2024માં જુનાગઢના પવિત્ર સ્વચ્છ છબી ધરાવતા સ્વ. ધીરુભાઇ ગોહેલને વિદેશથી પરત બોલાવી તેના નેજા નીતે ચૂંટણી લડી 60માંથી 65 બેઠકો જંગી બહુમતિથી જીતી લીધી હતી.
બીજી ટર્મમાં ગીતાબેન પરમાર મેયર તરીકે હાલમાં મુદત પૂર્ણ કર્યા બાદ ફરી ગીતાબેન પરમાર અને આધ્યાશક્તિબેન મજમુદારને ફરી ટીકીટ આપવામાં આવી છે તેમજ કાયમી લગભગ કે મેયર તરીકે રહેલા ગીરીશ કોટેચાની ત્રણ ટર્મ પુરી થઇ જવાને અને 60 વર્ષ પૂરા થઇ જવાના કારણે તેમની જગ્યાએ તેમના પુત્ર પાર્થને ટીકીટ આપી દેવામાં આવી છે.
બાકીના અગાઉની ચૂંટણીમાં ચૂંટાયેલાઓના પરિવારમાં ટીકીટની વહેંચણી કરી દેવામાં આવતા જુના વર્ષોથી ભાજપમાં નિ:સ્વાર્થ ભાવે કામ કરી રહેલા સાચા કાર્યકરો, આગેવાનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને સેન્સ લેવાનું નાટક ખુલ્લું પડી જવા પામ્યું છે.
સામે કોંગ્રેસમાં કોઇ પાયાનું સંગઠન નથી કોઇ સામે વિરોધ કરી શકે તેવા કોઇ કાર્યકરોને આગેવાનો કોંગ્રેસ પાસે જોવા મળતા નથી. એપીપીનું પણ જુનાગઢ મહાનગર પાલિકામાં ખાસા કંઇ ઉપજે તેવું જોવા મળતું નથી. આ વખતે ઝંપલાવશે જેથી લઘુમતિના મતો કપાશે તેનો લાભ સીધો ભાજપને મળશે તેવું જોવા મળી રહ્યું છે.
અપક્ષોમાં કેવા લોકો ઝંપલાવે તેના ઉપર મીટ મંડાયેલી રહેશે. સાચા-નિષ્ઠાવાન લોકોને સાઇડ લાઇન કરી દઇ નવી બોટલમાં જુનો દારૂ ભરી દીધાની ચર્ચા થઇ રહી છે.