New Delhi,તા.5
જય શાહે 1 ડિસેમ્બરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો તે સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સેક્રેટરીનું પદ ખાલી થઈ ગયું પરંતુ બોર્ડ સાથે સંકળાયેલાં રાજ્ય સંગઠનો સિવાય, અધિકારીઓની પણ હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી તે જાણી શકાયું નથી કે તેમનું સ્થાન કોણ લેશે ?
સેક્રેટરી સૌથી પ્રભાવશાળી હોય છે
2022માં વિશ્વનાં સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડમાં બંધારણીય સુધારા બાદ તેનાં સચિવ સૌથી પ્રભાવશાળી અધિકારી હોય છે. બીસીસીઆઈ સેક્રેટરી પાસે ’ક્રિકેટ અને નોન-ક્રિકેટ બાબતોને લગતી તમામ સત્તાઓ હોય છે. તેમજ સીઇઓ તેમની દેખરેખ હેઠળ કામ કરે છે. શાહ ઓગસ્ટમાં આઇસીસીના ટોચનાં પદ માટે ચૂંટાયા હતાં. ત્યારથી બીસીસીઆઈના હિતધારકો બોર્ડમાં ફેરફાર અંગે વિચાર કરી રહ્યાં છે.
45 દિવસનો સમય
ચૂંટાયેલા અધિકારીનાં રાજીનામા પછી, બોર્ડ પાસે ખાસ સામાન્ય સભા બોલાવવા અને તેનાં અનુગામીની પસંદગી કરવા માટે 45 દિવસનો સમય હોય છે. જો શાહ આઇસીસી તરીકે ચાર્જ સંભાળે તે દિવસથી 45 દિવસની ગણતરી કરવામાં આવે તો બોર્ડ પાસે પોસ્ટ ભરવા માટે જાન્યુઆરીનાં મધ્ય સુધીનો સમય છે.
બંધારણ મુજબ, બીસીસીઆઈએ ચૂંટણીનાં ઓછામાં ઓછા ચાર અઠવાડિયા પહેલાં રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવાની હોય છે. તેથી બોર્ડ પાસે ફેરફાર પૂર્ણ કરવા માટે પૂરતો સમય છે.
સચિવ એક વર્ષ માટે ચાર્જ સંભાળશે
બોર્ડનાં અધિકારીઓનો વર્તમાન ત્રણ વર્ષનો કાર્યકાળ આવતાં વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નવાં સચિવ લગભગ એક વર્ષ માટે ચાર્જ સંભાળશે. આઈસીસી બોર્ડમાં બીસીસીઆઈના નવાં પ્રતિનિધિ કોણ હશે તે અંગે હજુ કોઈ માહિતી નથી.
શાહે પણ આ જવાબદારી નિભાવી અને બોર્ડનાં ચેરમેન રોજર બિન્ની વૈકલ્પિક નિર્દેશકોની યાદીમાં છે. આઈપીએલ અધ્યક્ષ અરુણ ઘૂમ આઇસીસી ચીફ એક્ઝિક્યુટિવ કમિટીમાં ભારતનાં પ્રતિનિધિ છે.
અનિલ અને દેવજીત વચ્ચે હરીફાઈ
ગુજરાતનાં અનિલ પટેલ અને બોર્ડનાં વર્તમાન જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયા શાહની જગ્યા લેવા રેસમાં આગળ છે. ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીનું નામ પણ સામે આવ્યું હતું પરંતુ તે માત્ર અટકળો જ રહી હતી.
બીસીસીઆઈના એક પ્રશાસકે કહ્યું કે, અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે. આ મામલે બધાં મૌન છે. પરંતુ સંભવત: સંયુક્ત સચિવ સૈકિયા હાલ માટે વચગાળાનાં સેક્રેટરી બનશે.
એવાં મુદ્દાઓનો સેક્રેટરીએ દૈનિક ધોરણે સામનો કરવો પડે છે તેથી સેક્રેટરી પાસે બીસીસીઆઈની કામગીરી વિશે થોડી જાણકારી હોવી જરૂરી છે.