Japan,તા.26
જાપાન એર લાઈન્સ પર આજે ગુરુવારે સવારે મોટો સાઈબર હુમલો થયો હતો. સાઈબર હુમલાખોરોની આ કરતૂતના કારણે મોટી સંખ્યામાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને અસર થઈ હતી. ટિકીટોનું વેચાણ પણ રોકી દેવામાં આવ્યું છે.
સાઈબર હુમલો સવારે સ્થાનિક સમય અનુસાર સવારે 8.56 વાગ્યા આસપાસ થયો હતો. આ કારણે એરલાઈન્સની પુરી વ્યવસ્થા હચમચી ગઈ હતી. એરલાઈન્સના પ્રવકતાએ જણાવ્યું હતું કે, વ્યવસ્થા દુરસ્ત કરવાના હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે ટિકીટોનું વેચાણ રોકી દેવામાં આવ્યું છે. એરલાઈન્સે યાત્રીઓને પડેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે. જાપાન એરલાઈન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઈન્સ કંપની છે.
એરલાઈન્સે સાઈબર હુમલાને લઈને જણાવ્યું હતું કે, અમે સિસ્ટમને ઠીક કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. અમે સતત રિકવરી સ્ટેટસ પર નજર રાખી રહ્યા છીએ.
હાલ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સેવાઓને અસર થઈ છે. જેનો અમને ખેદ છે. જાપાની મીડીયા મુજબ સાઈબર હુમલાના કારણે જાપાન એરલાઈન્સની 9 ઘરેલુ ઉડાનોમાં વિલંબની ખબર છે. આ સંખ્યા હજુ વધી શકે છે.