Jamnagar,તા.18
જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી લીધી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇમ્તિયાઝ આરબ ઘણા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે કેટલાક વ્યાજખોરો પાસેથી નાણાં ઉછીના લીધા હતા. જોકે, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તે સતત માનસિક તાણ અનુભવી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.