Jamnagar,તા.28
જામનગરના દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વસંત ગામેતી કાયદાનું ભાન ભૂલ્યા છે, અને પોતાના ફેસબુક પેઝ પર મુકેલી પોસ્ટમાં દારૂની બોટલ દર્શાવીને તેની સાથેનો એક ફિલ્મી ગીતનો વિડીયો વાયરલ થયો હતો. જે પોસ્ટની સ્ટોરીને લઈને પોલીસબેડામાં ભારે હડકંપ મચી ગયો છે, અને સમગ્ર મામલામાં જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની દરબારગઢ ચોકીના પી.એસ.આઈ. વી.આર.ગામેતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુકમાં દારૂની બોટલ સાથે સ્ટોરી અપલોડ કરી હતી. આ સ્ટોરીમાં તેમણે “જીના હૈ તો હસકે જીઓ, જીવન મેં એક પલ ભી રોના ના” એવું ગીત પણ મૂક્યું હતું. જોકે થોડીવાર બાદ તેમણે આ સ્ટોરી ડીલિટ કરી દીધી હતી. પરંતુ આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને જામનગરના પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની મને જાણ નથી, પરંતું આ મામલે હું તપાસ કરાવી લઉ છું. જો આ તપાસમાં તથ્ય જણાશે તો પીએસઆઇ વસંત ગામેતી સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.
ઉપરાંત આ મામલે પી.એસ.આઇ વસંત ગામેતીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે પોતે આ પોસ્ટ મૂકી ન હોવાનું જણાવ્યું છે, જ્યારે પોતે દારૂનું સેવન પણ કરતા ન હોવાની વાત કરી છે. જોકે સમગ્ર મામલામાં હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરશે, અને જે સત્ય હકીકત હશે, તે સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે તેમ જાણવા મળી રહ્યું છે.