Jamnagarના યુવાન પાસેથી વેચાણના બહાને ટ્રક મેળવી રૂ.4 લાખમાં બારોબાર વેચી મારી

Share:

Jamnagar,તા.18

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ટ્રક ચલાવતા મોહમ્મદ અઝીરુદ્દીન મોહમ્મદ યાસીન બુખારી નામના 38 વર્ષના ટ્રક ચાલક યુવાને પોતાની પાસેથી વેચાણના બહાને ટ્રક મેળવી લીધા પછી બારોબાર રૂપિયા ચાર લાખમાં ટ્રક વેચી નાખી તેની રકમ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે જામનગરના ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા આમીન હુસેનભાઇ અને તેના ભાઈ અબ્દુલ ઉર્ફે વસીમ હુસેનભાઇ નોતીયાર તેમજ જામનગરના રામભાઈ નંદાણીયા સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીને પોતાનો ટ્રક વેચી નાખવો હતો, જેથી ઉપરોક્ત આરોપીઓનો સંપર્ક કરતાં તેઓએ ટ્રક વેચાણના બહાને મેળવી લીધા બાદ ત્રાહિત વ્યક્તિને ટ્રક વેચી નાખ્યો હતો, પરંતુ તેની ચાર લાખ રૂપિયાની રકમ સાડા ત્રણ વર્ષ જેટલો સમયગાળો વીતી ગયા છતાં આપી ન હતી, અને ધાકધમકી આપી હતી.

ફરિયાદી યુવાનનો રૂપિયા 70,000ની કિંમતનું મોટરસાયકલ પણ તેઓ આંચકી ગયા હતા. જે ટ્રક પર લોન બોલતી હતી અને ફરિયાદી યુવાન પર બેન્કનું દેણું વધી જતાં આખરે 4 લાખ 75 હજારમાં બેંક સાથે સમાધાન કરીને પોતાના નામે બાકી બોલતી લોન ચૂકવી આપી હતી. પરંતુ બાઈક કે જેની 70,000 જેટલી રકમ બેંકમાં લોન પેટે ચૂકવવાની બાકી હતી, અને તે પૈસા હવે ભરપાઈ કરી શકે તેમ ન હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર બનાવવાની તપાસ હાથ ધરવામાં આવી છે, અને વસીમ નામના એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે તેનો ભાઈ મુખ્ય આરોપી આમીન હુસેન કે જે હાલ ફરાર થઈ ગયો છે, જેને પોલીસ શોધી રહી છે. જ્યારે આ પ્રકરણનો ત્રીજો આરોપી રામભાઈ નંદાણીયા કે જે અન્ય એક ટ્રકના કૌભાંડમાં છેલ્લા છ માસથી જેલવાસ ભોગી રહ્યો છે. પોલીસ દ્વારા તેનો જેલમાંથી કબજો મેળવવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *