Jamnagar થ્રેસરમાં ચુંદડી ફસાવાના લીધે સગીરાનું મોત

Share:

Jamnagar તા.15
ચોમાસં પુરૂં થતાં જ ખેડૂતો માટે પાક લણવાની મૌસમ ચાલી રહી છે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને લણીને થ્રેસર વાટે ચોખ્ખી કરવાની સિઝન પુરબહારમાં ચાલી રહી છે. ત્યારે ખેતમજૂરી કરતાં લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામની વાડી વિસ્તારમાં એક કરૂણ ઘટના બની હતી જેમાં ધૂળનું તગારૂં લેવા ગયેલ એક 15 વર્ષની પરપ્રાંતિય સગીરાની ચૂંદડી મગફળી કાઢવાના થ્ર્રેસરમાં આવી જતાં સગીરાનું ગળે ટુંપો લાગી જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ધ્રોલ પોલીસ મથકેથી આ કરૂણ બનાવની જાણવા મળતી વધુ વિગત અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની બાનુભાઇ વસુનિયા કે જેઓ હાલ પોતાના પરિવાર સાથે ધ્રોલ તાલુકાના લૈયારા ગામે ભરતભાઈ બાવજીભાઈ તરપદાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા હતાં. દરમિયાન ગઇકાલે તેઓ રમેશભાઇ માવજીભાઇ વડોદરિયાની વાડીએ ખેતમજૂરીના કામ અર્થે ગયા હતાં.

જ્યાં બાનુભાઈ વસુનિયાની 15 વર્ષની પુત્રી અનિતા કે જે મગફળીના થ્રેસરમાંથી નિળકતા ધૂળના તગારા સારવાનું કામ કરી રહી હતી. દરમિયાન ધૂળનું તગારૂં લેવા જતાં અનિતાની ચૂંદડી થ્રેસર મશીનમાં આવી ગઈ હતી અને પુલીમાં વીંટાઈ જવાથી સગીરાનું ગળે ટૂંપો આવી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને 108 ને જાણ કરવામાં આવી હતી. જેમાં 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરે ત્યાં સુધીમાં સગીરાનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઇ સતિષભાઇ વસુનીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબ્જા સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી આગળની તપાસ હાથ ધરી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *