જામનગર તા.15
ગુજરાત સરકાર દ્રારા કેન્દ્ર સરકારે જાહેર કરેલ મોંઘવારીના ધોરણે અમલવારી કરવા તેમજ ધરભાડુ, ગ્રેચ્યુટીની ગણતરીમાં ફિક્સ પગારની નોકરીની ગણતરી કરવાની માંગ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્રારા કરવામા આવી છે.એવી પણ ચીમકી આપી છે કે કર્મચારીઓના હક્ક માટે જરૂર પડે લડત આપતા પણ અચકાશે નહિ.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે તા.1/4/2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો નિર્ણય જાહેર કરેલ પરંતુ બે વર્ષ સુધી તેઓ અમલ નહીં થતાં સમયાંતરે કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરયા દ્વારા જુદા જુદા અનેકવિધ કાર્યક્રમો યોજી સરકારશ્રી ઉપર કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા પ્રયાસો કરેલ. જેનાં અનુસંધાને તા.8 નવેમ્બર 2024 ના રોજ રાજય સરકાર દ્વારા તા.1/4/2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના ઠરાવ કરેલ છે.
ઉપરોકત ઠરાવમાં 2005 પહેલાં આશ્રિત તરીકે ભરતી થયેલા કર્મચારીઓને લાભ અંગે વિસંગતતા છે તેમજ ફિકસ પગારથી ફિકસ પગારમાં જેમને સળંગ નોકરી મળી નથી તેવા વિવિધ કર્મચારીઓને પણ આ ઠરાવનો સમાંતર લાભ મળે તે માટે રાજય સ્તરેથી સરકાર સાથે મસલત કરી કર્મચારીઓને ન્યાય અપાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
કેન્દ્ર સરકાર અને ભારતનાં 15 જેટલા રાજયમાં હાલ 53% મુજબ મોંઘવારી મળતી હોય જેનો ગુજરાતમાં અમલ થાય તેમજ કેન્દ્રનાં ધોરણે 10%, 20%, 30% મુજબ ઘરભાડું મળે તેમજ ગ્રેચ્યુઈટીની ગણતરીમાં ફિકસ પગારની નોકરી ગણવામાં આવે તથા ફિકસ પગાર પ્રથા અને કરાર આધારિત ભરતીઓ રદ કરવામાં આવે તે માટેના પ્રયાસો ચાલુ રહેશે.
રાજય સરકારે પ્રસિધ્ધ કરેલ ઠરાવ પૈકી કેન્દ્રના ધોરણે ગ્રેચ્યુઈટીનો ઠરાવ બાકી હોય તે ઝડપથી ઉકેલવા તેમજ2027 સુધીમાં રાજયના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળી રહે તે માટે આગામી 3 વર્ષ સુધી ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચા અને કર્મચારી મહામંડળ દ્વારા કેન્દ્રીય સ્તરે અને રાજય સ્તરે વિવિધ સભાઓ, રેલીઓ,ધરણાઓ જેવા કાર્યક્રમો કરી સતત પ્રયાસો કરવામાં આવશે. તેવું કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષભાઈ પટેલ અને કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતખાખરિયાએ જણાવ્યું છે.