Jamnagar તા.4
ધ્રોલના વેપારીને ચેક પરત કેસમાં અદાલતે બે વર્ષની સજા ફટકારી છે. મિત્ર પાસેથી રૂ.10 લાખ ઉછીના લીધા હોય તેની પરત ચૂકવણી માટે રૂ.5-5 લાખના બે ચેક આપ્યા હતાં.આ ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ નોંધાઈ હતી.
ધ્રોલમાં પટેલ ટ્રાન્સપોર્ટ નામથી પેઢી ચલાવતા કિરીટ કરશનભાઈ ભીમાણી પાસેથી મિત્રતાના દાવે ધ્રોલની ઉમિયા એજન્સીવાળા જયંતિલાલ નાથાભાઈ બારૈયાએ રૂ.10 લાખ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે રૂ.5 લાખનો એક એવા બે ચેક આપ્યા હતા.
આ બંને ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા કિરીટભાઈએ નોટીસ ફટકારી હતી. આમ છતાં જંયતિભાઈએ નાણાં ચૂકવવાની દરકાર ન કરતા ધ્રોલ અદાલતમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે બંને કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયંતિલાલ નાથાભાઈ બારૈયાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા ફટકારી છે. ફરિયાદી તરફથી વકીલ એસ.કે. રાચ્છ રોકાયા હતા.