Jamkandorana ,તા. 19
જામકંડોરણાના ઉમરાળી ગામ નજીક અકસ્માત કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. ગોંડલના બે કૌટુંબિક ભાઈઓ સુરાપુરા દાદાના દર્શને બાઈક પર જતા હતા ત્યારે કારે બાઈકને હડફેટે લીધું હતું. જેમાં બંને કૌટુંબિક ભાઈઓના મોત નીપજ્યા હતા.
મૃતક દિનેશભાઇના પુત્ર ધવલ પીપળીયા (ઉ.વ.24)એ અકસ્માત સર્જનાર જીજે 03 ડીએન 4262 નંબરની કારના ચાલક સામે વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, હું ગોંડલમાં મહાકાળીનગર, રેલ્વે સ્ટેશન પાછળ શેરી નં-2માં પરિવાર સાથે રહું છું. ગવર્મેન્ટ પોલીટેકનીક ડીપ્લોમા કોલેજ ખાતે સેકન્ડયરમાં સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરું છું.
મારા માતાનું નામ લીનાબેન છે. તા. 16/12/2024 ના રોજ હું મારા પિતા દિનેશભાઈ તથા મારા માતા લીનાબેન તેમજ મારા બહેન દર્શનાબેન જે રાજકોટ સાસરે છે તે ગોંડલ ખાતે રોકાવા આવેલ જે અમો ઘરના સભ્યો ઘરે હાજર હતા અને બપોરના આશરે દોઢેક વાગ્યે મારા પિતા દિનેશભાઇ તથા મારા કૌટુંબિક કાકા નરેન્દ્રભાઈ મારૂ બાઈક લઈને કાલાવડ તાલુકાના ફગાસ ગામે અમારા સુરાપુરાદાદાનુ મંદિર હોય ત્યાં દર્શન કરવા તથા પ્લાઇવુડનું અગરબતી તથા દિવેલ રાખવાનું બોક્સ મુકવા નિકળેલ.
ઘરેથી નિકળેલ ત્યારે મોટર સાયકલ મારા પિતા ચલાવતા હતા. બપોરના આશરે 3 વાગ્યા આસપાસ મારા માતાના મોબાઇલ ફોન પર મારા પિતાના નંબર પરથી ફોન આવેલ અને કોઇ અજાણ્યા માણસે વાત કરેલ કે, આ મોબાઇલવાળા ભાઇના બાઇકનુ ઉમરાળીથી જામકંડોરણા જતા રોડ ઉપર એક ફોરવ્હીલ સાથે એક્સીડન્ટ થયેલ છે.
તેમ વાત કરતા મારા માતાને આધાત લાગી ગયો હતો અને તેઓ બેભાન જેવા થઇ ગયા હતા. મેં ફોન પર વાત કરતા મને આ અજાણ્યા માણસે વાત કરેલ કે, અકસ્માત બાદ ફોરવ્હીલ ચાલક કાર મુકી નાશી ગયેલ છે. અમે 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો છે.
આ જાણ થતા હું, મારા મામા ધરમભાઈ, મારા મામાના મિત્ર મહેન્દ્રભાઇ ગોંડલથી ઉમરાળી ગામે પોણા 4 વાગ્યાં આસપાસ પહોંચી ગયા હતા. ત્યાં જઇને જોયુ તો મારા પિતા દિનેશભાઈ તથા મારા કાકા નરેન્દ્રભાઈ રોડની સાઈડમાં નીચે જમીન પર પડેલ હતા. પિતાના મોઢામાં કપાળના ભાગે તેમજ દાઢી ઉપર તથા નાક ઉપર લોહી નિકળતું હતું. ડાબો પગ સાથેળથી ભાંગી ગયેલ હતો. મારા કાકાને બન્ને આંખો સોજી ગયેલ જોવામાં આવેલ હતી તેમજ ડાબા પગના ઘુંટણ પાસે છોલાયેલના નિશાનો જોવામાં આવેલ હતા.
મારા પિતા તથા મારા કાકા કંઈ બોલતા ચાલતા નહતા. 108 એમ્બ્યુલન્સ આવી જતા મારા પિતા અને કાકાને ગોંડલ ખાતે ડો.સુખવાલાના દવાખાને ખસેડાયા. જ્યાં મારાં પિતાને ડોકટરે મૃત જાહેર કરેલ જયારે મારા કાકાને સારવારમાં દાખલ કરેલ.
બાદમાં કાકા નરેન્દ્રભાઈને માથાના ભાગે ઇજા થયેલ હોય જેથી શ્રીરામ હોસ્પિટલ બાદ રાજકોટ દોશી હોસ્પિટલ રીફર કરાયાં હતા. અત્રે સારવાર દરમ્યાન કાકા નરેન્દ્રભાઈનું પણ મોત નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, બંને મૃતક ફર્નિચર કામ કરતા. દિનેશભાઇને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. નરેન્દ્રભાઈને પણ સંતાનમાં એક દીકરો અને દીકરી છે. બંને કૌટુંબિક ભાઈના અકાળે મોત નીપજતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે.