Dwarka,તા.16
પ્રાચીન કાળમાં દ્વારાવતી તરીકે ઓળખાતું દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે. શાસ્ત્રોમાં દ્વારકાનો સાત મોક્ષદાયી નગરોમાં સમાવેશ કરાયો છે. બેટ દ્વારકા, ઘુમલી, અને હરસિદ્ધિ મંદિર જેવા પ્રાચીન સ્થળો ધરાવતો દ્વારકા જિલ્લો ધાર્મિક અને રાષ્ટ્રીય સુરક્ષાની દષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી, ત્યારથી વડાપ્રધાન સુધીની સફરમાં ગુજરાત વિકાસનું રોલ મોડલ રહ્યું છે. વર્ષ 2013 માં દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકાને સમાવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અલગ રચનાં કરવામાં આવી. છેલ્લા એક દાયકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાએ કરેલો વિકાસ સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો દેશ – વિદેશના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
હેરીટેજ સિટી દેવભૂમિ દ્વારકા
સાંસ્કૃતિક અને પુરાતત્વીય વારસો ધરાવતી આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિને કેન્દ્ર સરકાર દ્વારા હેરીટેજ સિટી તરીકે જાહેર કરી વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં લાખો ભાવિકો શીશ ઝુકાવે છે.
બેટ દ્વારકા – સુદર્શન સેતુ
ઓખાથી બેટ દ્વારકાને જોડતા આ સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. રૂ. 979 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રીજનું ગત ફેબ્રુઆરી માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થયું છે. બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા ભકતજનો સરળતાથી દર્શન કરી શકશે.
સુદર્શન સેતુની લંબાઈ 2.32 કીલોમીટર છે. જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20સ12 મીટરના 4 મોરપંખ આકારવામાં આવ્યા છે. ઓખા તરફ 370 મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ 650 મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.2 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ છે. ફુટપાથની બાજુ પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણની છબીઓ દર્શાવવામાં આવી છે. ફૂટપાથ ઉપર લગાવેલી સોલાર પેનલની એક મેગાવોટની વિજળી ઉત્પાદનક્ષમતા છે,હ. જેનો ઉપયોગ બ્રીજના લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શિવરાજપુર બીચ
દ્વારકા અને ઓખા વચ્ચે બ્લુ ફ્લેગ ધરાવતો સ્વચ્છ, સુંદર, સલામત અને મનોહર એવો શિવરાજપુર બીચ આવેલો છે. જે દેશ – વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બીચ ઉપર હાલ પ્રવાસીઓને લગતી સુવિધાઓને વિકસાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા ત્રણ ફેઝમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થતા પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ
દારુકાવનમાં બિરાજતા ભગવાન શિવના જ્યોતિર્લિંગ સમા અને બારે માસ પ્રવાસીઓથી ધમધમતા નાગેશ્વર ખાતે મહાશિવરાત્રીના દિવસે તો અહીં ભક્તિ મેળાનું દ્રશ્ય ખડું થતું હોય છે.
નાગેશવન
સામાજીક વનીકરણ યોજના હેઠળ 2013-14 માં નાગેશ્વર ખાતે રાજ્યકક્ષાના 64 માં વન મહોત્સવની ઉજવણી માટે 10 માં સાંસ્કૃતિક વન નાગેશવનનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૌરાણિક તથા ધાર્મિક મહત્વ ધરાવતાં શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે નાગેશ વનનું લોકાર્પણ કરાયું હતું.
આ નાગેશ વનમાં રાશી વન, નક્ષત્ર વન, પંચવટી વન, તુલશી વન, સપ્તરૂષિ વાવેતર સહિતના જુદા જુદા વન તેમજ વિવિઘ જાતના વૃક્ષોનું વનોમાં વાવેતર કરવામાં આવ્યું છે. નાગેશવનમાં કોતરણીવાળો કલાત્મક ગેઈટ, કૈલાશ પર્વતનું મોડેલ અને તેના પર બિરાજમાન ભગવાન શિવની સહ પરિવાર મુર્તિ, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ, દારૂકાવધ પ્રસંગની મૂર્તિ, વન કુટીર, મરીન ઇન્ટરપ્રીટીશન સેન્ટર, કેકટસ હાઉસ, ઉજાણી ગૃહ તથા બાળકોના મનોરંજન માટે જુદી જુદી રાઇડસ વિગેરે આકર્ષણનું કેન્દ્ર છે. નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવતા પ્રવાસીઓ માટે એક રમણીય સ્થળનું નિર્માણ કરવામા આવેલું છે.
કોયલા ડુંગરમાં બિરાજમાન હરસિદ્ધિ માતા
હરસિદ્ધિ માતાનું મંદિર તીર્થધામ કોયલા ડુંગરમાં આવેલું છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામની હદમાં મેઢા ખાડીના કિનારે આ મંદિર આવેલુ છે. અહીં નવરાત્રી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
હરસિદ્ધિ વન
કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આવેલ પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતાં હરસિદ્ધિ માતાના મંદીર નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હરસિદ્ધિ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વડ, પીપળો, પ્રાગ વડ, વિગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વિગેરે વૃક્ષો પણ અહીં ઉછેરવામાં આવ્યા છે. ગુગળ વન તથા કેક્ટસ વાટીકા વિગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ ઉછેરવામાં આવેલ છે.
આ ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે સંદર્ભમાં આ સાંસ્કૃતિક વનમાં બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઈન્ટ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
જિલ્લામાં આવેલા અન્ય પ્રવાસન સ્થળો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂક્ષ્મણી મંદિર, ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ, ગોપી તળાવ, હનુમાન દાંડી, કિલેશ્વર મહાદેવ, શનિ મંદિર (હાથલા), ઘુમલી, સોનકંસારી, આભાપરા હિલ સ્ટેશન, મરીન નેશનલ પાર્ક – નરારા ટાપુ સહિત અનેક પ્રવાસન સ્થળો આવેલા છે, કે જે દેશ – વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.