Cairo,તા.18
ઈઝરાયેલે ગાઝાપટ્ટીમાં વધુ એક વખત ભયાનક એરસ્ટ્રાઈક કરી હતી. અર્ધોકલાક જેવા ટુંકાગાળામાં જ 35 એરસ્ટ્રાઈક કરતા 200થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત નિપજયા હતા. અનેક હમાસ લડાકુઓનો પણ ખાત્મો કર્યો હતો. હજુ વધુ મોટા હુમલા કરવાની પણ ચેતવણી આપી છે.
ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધવિરામની સમાપ્તિ બાદ ફરી વખત ગાઝાપટ્ટીમાં ભડકો સર્જાયો હતો. ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામ પછીનો આ સૌથી મોટો અને ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો તેમાં બાળકો, હમાસ કમાંડરો સહિત 200થી વધુ લોકોના મોત નિપજયા હતા. 35 એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયેલે એવી ધમકી ઉચ્ચારી છે કે જરૂર મુજબ એરસ્ટ્રાઈક ચાલુ રાખવામાં આવશે અને તે વધુ મોટી વ્યાપક બનાવવામાં આવશે.
ઈઝરાયેલી સૈન્યએ કહ્યું કે હમાસ કમાંડરો તથા તેના આતંકી અડ્ડાઓને નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી અને આ સિલસિલો હજુ ચાલુ રાખવામાં આવશે. જરૂર પડયે વધુ મોટા હુમલા કરવામાં આવશે.
બીજી તરફ હમાસ દ્વારા એવી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ઈઝરાયેલની આ એરસ્ટ્રાઈક યુદ્ધવિરામનુ ઉલ્લંઘન છે અને ઈઝરાયેલી બંધકોના જીવ જોખમમાં મુકી શકે છે.
ગાઝા પરની એરસ્ટ્રાઈક વિશે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ કહ્યુ કે યુદ્ધવિરામ લંબાવવાની વાતચીતમાં કોઈ નકકર પ્રગતિ ન થતા હુમલો કરવામાં આવ્યો છે. હવે સૈન્ય શક્તિ વધારીને વધારે ભયાનક હુમલા કરાશે.
મુસ્લીમોના પવિત્ર રમજાન માસમાં જ યુદ્ધવિરામ તોડી નાખવામાં આવતા હવે યુદ્ધ વધુ વકરવાના ભણકારા છે. અત્યાર સુધીમાં યુદ્ધમાં 48000 પેલેસ્ટાઈનીઓના મોત થવા ઉપરાંત ભારે વિનાશ સર્જાયાનું ઉલ્લેખનીય છે.