Israel,તા.28
યુદ્ધ કથા રમ્ય છે પણ યુદ્ધ રમ્ય નથી. રંગમંચ પર કે રૂપેરી પરદે યુદ્ધના દ્રશ્યો રોમાંચ પેદા કરે છે. પણ વાસ્તવિક યુદ્ધમાં અનેક લોકો કમોતે મરે છે અનેક યુવતીઓ વિધવા બને છે અનેક બાળકો અનાથ બને છે. યુદ્ધની આવી વિભિષિકા છતા માણસની યુદ્ધ વૃતિ ખતમ નથી થતી.
હમાસનાં રવાડે ચડીને ઈઝરાયેલ સામે યુદ્ધે ચડેલા લેબનોનનાં હિઝબુલ્લાનાં સંગઠન વચ્ચે ભયાનક નુકશાની બાદ હવે યુદ્ધવિરામ જાહેર થયો છે.આ યુદ્ધમાં હિઝબુલ્લાહ હજારો લડાયકો માર્યા ગયા છે અનેક નિર્દોષ નાગરીકો પણ મર્યા છે અને લાખો લોકો બેઘર થયા છે.
સામે પક્ષે ઈઝરાયેલને પણ નુકશાન થયુ છે. તેના પણ 75 સૈનિક અને 45 નાગરીકો માર્યા ગયા છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006 માં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતા 10 ગણા લડાયકો હિઝબુલ્લાહે ગુમાવ્યા છે. આ વખતે હીઝબુલ્લાએ 4000 લડાયકો ગુમાવ્યા છે.જયારે 700 થી 1200 લેબનોનાની નાગરીકોના મોત થયા છે.
ઈઝરાયેલ સામે બાથ ભીડવામાં હિઝબુલ્લાહે મોટી સંખ્યામાં શસ્ત્રો ગુમાવ્યા છે.ઈઝરાયેલ સામે યુદ્ધ પહેલા હિઝબુલ્લા પાસે દોઢ લાખ રોકેટ અને મિસાઈલ હતા હવે 30 હજાર જેટલા બચ્યા છે. તો ઈઝરાયેલને હિઝબુલ્લાને પાઠ ભણાવવા હજારો હથિયારો તબાહ કર્યા છે. આ હુમલાનાં કારણે લાખો લેબનોની નાગરીકોએ ઘર છોડવુ પડયુ હતું તો ઉતરી ઈઝરાયેલથી હજુ પણ 60000 ઈઝરાયેલી નાગરીકો જઈ ચુકયા છે.
હવે યુદ્ધ વિરામની જાહેરાત બાદ લેબનોની નાગરીકો પોતાના ઘરોમાં પાછા ફરી રહ્યા છે. હવે લેબનોન-ઈઝરાયેલની સીમા પરથી હિઝબુલ્લાહની સીમા પરથી હીઝબુલ્લાનાં લડાયકો દુર રહેશે. આ સાથે ઈઝરાયેલી સેના પણ ધીરેધીરે પાછળ હટશે.