પગનીચેથી જમીન સરકતાં ટ્રમ્પ ઝનૂને ચઢ્યા છે
નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટની ચીકાગોમા મળેલી કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરીસ ઉપર એક પછી એક શબ્દ પ્રહારો
Washington, Chicago:તા.02
અમેરિકાના પૂર્વપ્રમુખ અને રીપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનાં પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરીસ સંબંધે સીધો સવાલ કર્યો કે તેઓ ઇન્ડીયન છે કે પછી બ્લેક છે ? આ તદ્દન અર્થહીન અને જાતિગત કરેલાં વિધાનોએ અમેરિકા તેમજ ભારતમાં પણ વિવાદનો વંટોળ સર્જી દીધો છે. સાથે આંચકાના તરંગો ઉપર તરંગો પ્રસારી દીધાં છે.
નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટનાં અહીં યોજાયેલાં સંમેલનમાં પ્રચારાથે પહોંચેલા ટ્રમ્પે ઇન્ટરવ્યુઅર્સની પેનલના પ્રશ્નોત્તર સમયે કહ્યું કે હું પહેલાં તેમ જ માનતો હતો કે, કમલા હેરીસ કે તેઓ (કમલા હેરીસ) ભારતીય વંશનાં છે, ભારતીય વીરાસતનાં પણ છે. આમ હું કેટલાયે વર્ષો સુધી માનતો રહ્યો. હું તેમ પણ માનતો હતો કે તેઓ ભારતની વીરાસતનાં પ્રતિનિધિ છે પરંતુ થોડાં વર્ષો પૂર્વે મને જાણવા મળ્યું કે તેઓતો બ્લેક છે. વળી પાછાં અત્યારે તેઓ પોતે જ બ્લેક બની રહેવા માગે છે. બ્લેક (નિગ્રો) તરીકે પોતાને ઓળખાવા માગે છે. તેથી હું નિશ્ચિત કરી નથી શક્તો કે તેઓ ભારતીય છે કે બ્લેક છે.
ટ્રમ્પે આમ ભલે કહ્યું હોય કે તેઓ ભારતીય છે કે બ્લેક તે હું નક્કી નથી કરી શક્યો.
ટ્રમ્પને જે કહેવું હોય તે કહે પરંતુ કમલા હેરીસે અમેરિકાનાં ઉપપ્રમુખ પદે આવ્યાં ત્યારે જ તેઓ સૌથી પહેલાં શ્યામવર્ણ, મહિલા અને દક્ષિણ એશિયાઈ વિરાસત સાથે લઇને આવનારાં ઉપપ્રમુખ હતાં, આ પછી વિશ્વની સૌથી સમર્થ શક્તિશાળી અને સૌથી સમૃદ્ધ શક્તિનાં સુકાની બની તેમ કહી શકાય. ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી તો કમલા હેરીસ ઉપર પ્રહારો કરી રહ્યા છે. ૭૮ વર્ષના આ પ્રમુખપદના ઉમેદવાર ઉપર શાબ્દિક પ્રહારો મર્યાદા બહાર કરી રહ્યા છે. તેઓએ કમલા હેરીસને નિ:સંતાન મહિલા કહી દીધાં તેટલું જ નહીં પરંતુ તેઓને યહૂદી વિરોધી (એન્ટી સેમેટિક) પણ કહી દીધાં, ત્યારે તેઓ તે ભૂલી ગયા કે કમલા હેરિસ એક જનુઇશ અમેરિકનને જ પરણ્યાં છે.
પ્રમુખ જો બાયડેને તેઓનાં ઉપપ્રમુખ કમલા હેરીસ માટે ટ્રમ્પે કરેલી ટીપ્પણીઓને અપમાનજનક કહી હતી. વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરીને જીન પીયેરયે પત્રકારોને કરેલાં સંબોધતાં જણાવ્યું હતું કે કોઇને પણ કોઇને તેઓ કોણ છે ? તે પૂછવાનો અધિકાર જ નથી.
જેને જે કહેવું હોય તે કહે પરંતુ ટ્રમ્પને પોતાના પગ નીચેથી જમીન સરી જતી લાગતાં તેઓ હવે ઝનૂને ચઢ્યા છે અને બેફામ બોલી રહ્યા છે. તેમ કેટલાક નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય છે.