Iran-Lebanon ધમકી આપતા રહ્યાં અને ઈઝરાયલે રાતભર હુમલા કરી ઊંઘ ઊડાડી દીધી

Share:

Israel ,તા.08

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલી સેના IDFએ હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર તાબડતોડ હુમલા કર્યા છે. IDFનું કહેવું છે કે, તેમણે દક્ષિણી લેબેનોનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર રાતભર તાબડતોડ હુમલા કરીને તબાહ કરી દીધુ છે.

હિઝબુલ્લાહના ઠેકાણા પર ઈઝરાયલનો આ હુમલો ઈરાન અને લેબેનોનની ધમકીઓ વચ્ચે થયો છે. હમાસ લીડર ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં કરવામાં આવેલી હત્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમ પર છે. ઈરાને ઈઝરાયલથી હાનિયાની મોતનો બદલો લેવાનું એલાન કર્યું હતું. રાજધાની તેહરાનમાં 31 જુલાઈના રોજ હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યાથી રોષે ભરાયેલા ઈરાને ઈઝરાયલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી. અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈરાન કોઈ પણ સમયે યુદ્ધનો મોરચો ખોલી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટી બ્લિંકને પણ ઈરાન અને હિઝબુલ્લાહની આ ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, ઈઝરાયલ પર આ દેશ ગમે તે સમયે હુમલો કરી શકે છે. પરંતુ ઈરાન અને લેબેનોનની ધમકીઓને નજરઅંદાજ કરી ઈઝરાયલે હિઝબુલ્લાહના અનેક ઠેકાણાને તબાહ કરી દીધા છે.

ઈરાન અને લેબેનોનના ગુસ્સાનું કારણ?

આ ધમકીઓને ધ્યાનમાં રાખી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, ઈરાન અને તેના સાગરિતો અમને આતંકવાદના સકંજામાં જકડવા માંગે છે. અમે દરેક મોરચે અને દરેક ક્ષેત્રમાં નજીક કે દૂર તેમની વિરુદ્ધ તેમનો સામનો કરવા માટે મક્કમ છીએ.

ગત અઠવાડિયે ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ તણાવ વધી ગયો છે. આ ઘટનાના એક દિવસ પહેલા લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરની હત્યા કરી દેવામાં આવી હતી. હાનિયા ગાઝામાં હમાસનો ચીફ હતો અને તે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન ગયો હતો.

બીજી તરફ હિઝબુલ્લાહે પણ ઈઝરાયલને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ હતું. હિઝબુલ્લાહે ગત શનિવારે ઈઝરાયલ પર લગભગ 50 રોકેટ છોડ્યા હતા. જોકે, ઈઝરાયલના આયરન ડોમે આ હિમલાને નિષ્ફળ કરી દીધો હતો.

ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા બદલો લેવાના એલાન બાદ મિડલ ઈસ્ટમાં મોટા સ્તર પર યુદ્ધની આશંકા વધી ગઈ છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને હાલની સ્થિતિ પર ચર્ચા માટે ઈમરજન્સી બેઠક કરી હતી. પેન્ટાગને આગળની સ્થિતિને રોકવા માટે ક્ષેત્રમાં વધારાના સૈન્ય દળની તેહનાતીનું એલાન કર્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *