New Delhi, તા.13
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આગામી IPL સિઝન પહેલા જોસ બટલરને જાળવી રાખવાની પોતાની અસમર્થતા વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ હજુ પણ બટલરને મુક્ત કરવાના નિર્ણય સાથે સંમત થયા નથી. સંજુ અને બટલર છેલ્લા સાત વર્ષથી રાજસ્થાન રોયલ્સનું એકસાથે પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. બટલર નવી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે.
સંજુએ કહ્યું, આઈપીએલ તમને ઉચ્ચ સ્તર પર રમતી વખતે ટીમનું નેતૃત્વ કરવાની અને નજીકના મિત્રો બનાવવાની તક આપે છે. બટલર મારા નજીકના મિત્રોમાંનો એક છે. અમે સાત વર્ષ સાથે રમ્યા. આ સમય દરમિયાન અમે એકબીજાને સારી રીતે સમજી ગયા.
સંજુએ આગળ કહ્યું, તે મારા માટે મોટા ભાઈ જેવો છે. જ્યારે પણ મને કોઈ શંકા થતી ત્યારે હું તેની સાથે વાત કરતો. જ્યારે હું કેપ્ટન બન્યો (2021માં), ત્યારે તે મારા વાઇસ-કેપ્ટન હતા અને તેમણે મને સારો કેપ્ટન બનવામાં મદદ કરી. સેમસને કહ્યું કે, બટલરને છોડવો એ સૌથી મુશ્કેલ નિર્ણયોમાંનો એક હતો.