Mumbai,તા.26
IPL 2025માં રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે. પંત છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ આ વિકેટકીપર બેટર તેમજ ટીમના કેપ્ટનને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ લખનઉ સુપર જાયન્ટ્સએ મેગા ઓક્શનમાં પંતને ખરીદ્યો હતો.
IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત
રિષભ પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. LSGએ આ ખેલાડીને રૂ. 27 કરોડમાં ખરીદ્યો છે. એવામાં હવે દિલ્હી કેપિટલ્સને અલવિદા કહેતી વખતે રિષભ પંત ભાવુક જોવા મળ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણી વ્યકત કરી હતી.
દિલ્હી કેપિટલ્સ છોડ્યા બાદ પંત થયો ભાવુક
રિષભ પંત લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ માટે રમતો હતો. દિલ્હીના ફેન્સ પણ પંતને ખૂબ પસંદ કરતા હતા. એવામાં હવે દિલ્હીની ટીમને પંતને રિટેન ન કરતા તેના ફેન્સને પણ ખૂબ જ આશ્ચર્યજનક લાગી રહ્યું છે. પંતે તેના સોશિયલ મીડિયા પર દિલ્હી કેપિટલ્સને અલવિદા કહેતા એક પોસ્ટ શેર કરી છે.
આ પોસ્ટમાં પંતે લખ્યું છે કે, ‘દિલ્હી કેપિટલ્સમાં મારી સફર યાદગાર રહી છે. મારી ટીનએજરમાં હું ટીમ સાથે જોડાયો હતો. દિલ્હી કેપિટલ્સમાં આવ્યા પછી મારો સારો ગ્રોથ થયો. 9 વર્ષ સુધી અમે સાથે આગળ વધ્યા અને જે બાબતે આ સમયને સૌથી યાદગાર બનાવ્યો છે તે છે ફેન્સ…તમે હંમેશા મારો સાથ આપ્યો, મને સપોર્ટ કર્યો, જેને હું હંમેશા મારા દિલમાં રાખીશ. જ્યારે પણ હું મેદાનમાં ઉતરીશ ત્યારે હું તમારું મનોરંજન કરવા તૈયાર રહીશ. મારો પરિવાર બનવા બદલ અને આ સફરને ખાસ બનાવવા બદલ આભાર.
નવી ઇનિંગ માટે તૈયાર છે પંત
રિષભ પંત હવે પોતાની નવી ઇનિંગ લખનઉ સુપર જાયન્ટ્સ સાથે શરુ કરશે. તેમજ પંત આ સિઝનમાં ટીમની કેપ્ટનસી કરતો જોવા મળશે. જોકે, કેપ્ટનસી અંગે હજુ ફ્રેન્ચાઈઝી દ્વારા કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સના ભૂતપૂર્વ કેપ્ટન કેએલ રાહુલ હવે દિલ્હી કેપિટલ્સનો ભાગ બની ગયો છે. આથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પંત લખનઉ ટીમની કેપ્ટનસી કરશે.
જો પંતના IPLના કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી કુલ 111 IPL મેચમાં 110 ઇનિંગ્સ રમી છે. જેમાં તેણે 3284 રન બનાવ્યા છે. પંતે એક સેન્ચુરી અને 18 ફિફ્ટી ફટકારી છે. દિલ્હી કેપિટલ્સે પંતને રિટેન ન કરવાનું કારણ તો હજુ સામે નથી આવ્યું પરંતુ આ વીડિયો જોઈને સમજી શકાય છે પંત માટે દિલ્હી કેપિટલ્સ કેટલુ ખાસ હતુ.