Mumbai,તા.01
ઈન્ડિયન પ્રીમીયર લીગ 2025ના મેગા ઓક્શન પહેલા તેના નિયમોનું એલાન કરી દેવામાં આવ્યું છે. ઓક્શન પહેલા કોઈ પણ ફ્રેન્ચાઈઝી 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ સાથે જ મોટા ભાગના સ્ટાર પ્લેયર્સનુ રિટેન થવું પણ નક્કી છે. હવે પ્લેયર્સ ઓક્શનની આ ચર્ચા વચ્ચે હરભજન સિંહે મોટો દાવો કર્યો છે. તેણે દાવો કર્યો કે, જો જસપ્રીત બુમરાહ IPL ઓક્શનમાં ઉતરશે તો તેની 30-35 કરોડની બોલી લાગશે.
હરભજન સિંહે જસપ્રીત બુમરાહના ઓક્શન અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 24 કલાકમાં બે પોસ્ટ કરી છે. તેમણે રવિવારે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, જો જસપ્રીત બુમરાહ પોતાનું નામ ઓક્શનમાં આપશે તો આપણને IPLની સૌથી મોટી બોલી જોવા મળી શકે છે. શું તમે સહમત છો? તેણે બુમરાહને ટેગ પણ કર્યો. હવે તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
પૂર્વ ઓફ સ્પિનરે રવિવારની પોતાની પોસ્ટને સોમવારે રિટ્વીટ કરી. ફરી તેણે લખ્યું કે, હું બુમરાહ પર પોતાની વાતચીત ચાલું રાખવા માગુ છું. મારા મતે બુમરાહને 30-35 કરોડ રૂપિયા સરળતાથી મળી જશે. તમામ 10 ટીમો બુમરાહ પર દાવ લગાવશે. માત્ર બોલિંગ માટે જ નહીં પરંતુ કેપ્ટનશિપ માટે પણ.
તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ 2013થી IPL રમી રહ્યો છે. તે પોતાની પ્રથમ સિઝનથી જ મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય છે. મુંબઈ ઈન્ડિયન્સ દરેક વખતે બુમરાહને રિટેન કરતી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ આ ખેલાડીને રિટેન નહીં કરે તેવા કોઈ સમાચાર ક્યારેય નથી આવ્યા. 30 વર્ષીય જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ માટે 136 મેચમાં 168 વિકેટ ઝડપી છે.