Paris,તા.31
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માંથી ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. પેરાલિમ્પિક્સમાં પ્રીતિ પાલે ભારત માટે ત્રીજો મેડલ જીતી લીધો છે. તેણે 100 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 23 વર્ષીય પ્રીતિ મહિલાઓની 100 મીટર T-35 ફાઇનલમાં ત્રીજા સ્થાને રહી હતી. આ સાથે તે પેરાલિમ્પિકસમાં ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. આ સિવાય અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 કેટેગરીમાં ફાઈનલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પ્રીતિએ મહિલાઓની 100 મીટર (T35) ઇવેન્ટમાં 14.21 સેકન્ડના પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનની ઝોઉ જિયાએ ગોલ્ડ મેડલ અને ગુઓ કિયાનકિઆને સિલ્વર મેડલ જીત્યો હતો. ઝોઉએ 13.58 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. જ્યારે ગુઓએ 13.74 સેકન્ડનો સમય લીધો હતો. પ્રીતિનો બ્રોન્ઝ મેડલ પેરા એથ્લેટિક્સમાં ભારતનો પહેલો મેડલ છે. તમને જણાવી દઈએ કે, પેરાલિમ્પિકસમાં T35 કેટેગરીમાં જેમને હાઈપરટોનિયા, એટેક્સિયા અને એથેટોસિસ અને સેરેબ્રલ પાલ્સી વગેરે જેવા કોઓર્ડિનેશન ડિસઓર્ડર હોય એવા એથ્લેટ્સનો સમાવેશ કરવામાં આવે છે.