Mumbai,તા.27
ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની યુથ વનડે સીરિઝની છેલ્લી મેચ જીતીને ભારતીય ટીમે આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચી દીધો છે.પુડુચેરીમાં રમાયેલી સીરિઝની આ છેલ્લી મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 324 રન બનાવ્યા હતા. સામે જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 317 રનના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. સીરિઝની છેલ્લી મેચ જીતીને ભારતે 30 વર્ષ જૂના એક મોટા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે.
ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન અંડર 19 ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલા સાહિલ પારખ અને રુદ્ર પટેલ વચ્ચે પહેલી વિકેટ માટે 34 રનની ભાગીદારી થઇ હતી. આ સિવાય રુદ્ર અને હરિવંશ વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી જોવા મળી. ત્યારબાદ કેપ્ટન મોહમ્મદ અમાનના બેટમાંથી 71 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી જેના આધારે ભારતીય ટીમ 324ના મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 317 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. આ મેચમાં કુલ 641 રન થયા હતા. યુથ વનડેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એક મેચમાં આ અત્યાર સુધીના સૌથી વધુ રન છે. આ મેચે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અગાઉ વર્ષ 1994માં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર19 ટીમ વચ્ચેની મેચમાં કુલ 588 રન થયા હતા.
યૂથ વનડે સીરિઝની ત્રણ મેચોમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો મોહમ્મદ અનાને સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય કિરણ ચોરમાલે અને હાર્દિક રાજ પણ 5-5 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. સાહિલ પારખે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા સીરિઝમાં કુલ 133 રન બનાવ્યા હતા. હવે બંને ટીમો વચ્ચે 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ચેન્નાઈમાં પહેલી ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટ મેચ યોજાશે.