New Delhi,તા.24
ભારતીય અર્થતંત્ર પર ટ્રમ્પ અને ધીમી ગતિના સર્જાયેલા પડકારથી હજુ ‘બુરે-દિન’ બાકી છે અને શેરબજાર વધુ નીચે જઈ શકે છે તેવી ચર્ચા વચ્ચે 2024ના ત્રીજા કવાટર બાદના અનેક આંકડાઓ સારા સંકેત આપે છે અને ભારતીય અર્થતંત્ર માટે પડકારના દિવસને પુરા થયા હોવાનો પણ સંકેત આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આપ્યો છે.
ખાસ કરીને કંપનીઓની ઓર્ડર બુક મજબૂત બની છે, કૃષી નિકાસને વેગ મળ્યા છે. ગ્રામીણ આવક વધી રહી છે અને સ્ટીલ, ઓટો સેલ રીબાઉન્ડ થયા છે અને ટેક્ષ કલેકશન પણ વધ્યુ છે તેવો રિપોર્ટ આંતરરાષ્ટ્રીય એજન્સી બીએનપી પારીબાયે આપ્યો છે. ત્રીજા કવાટરના નબળી સ્થિતિ બાદ ટેક્ષ કલેકશન પણ વધ્યુ છે.
ભારત સરકારની નેશનલ સ્ટેટેટીકસ ઓફિસ (એનએચઓ) દ્વારા અંદાજ મુકાયો છે કે, ભારતનું જીડીપી 6.4% રહી શકે છે અને 2025ના નાણાકીય વર્ષમાં બીજા હાફ (છ માસ)માં તે 6.7% સુધી ઉંચે જઈ શકે છે.
ખાસ કરીને કૃષિ ક્ષેત્રનો દેખાવ ખૂબ જ સારો રહ્યો છે અને ખાદ્ય ફુગાવો જે રીઝર્વ બેન્કની સરકાર અને સામાન્ય વ્યક્તિમાં દરેક માટે ચિંતા રહી છે તે હવે તબકકાવાર નીચો આવવા લાગ્યો છે અને રિઝર્વ બેન્કે પણ 25 બેઝીક પોઈન્ટ વ્યાજદર ઘટાડયા બાદ હજુ વધુ ઘટાડો આવશે તેવા હકારાત્મક સંકેત આપી દીધા છે. હાલમાં જ રજુ થયેલા કેન્દ્રીય બજેટમાં સરકારે મૂડી ખર્ચ 7.4% વધાર્યા છે.
આમ સરકાર ખાનગી મૂડીરોકાણની ગેરહાજરીમાં સરકારી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ વિ.માં ખર્ચ વધારીને વિકાસને અને તે રીતે અર્થતંત્રને ઈંધણ આપશે તે નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે તો સરકાર સબસીડી પર મર્યાદા મુકવામાં હાલ સફળ રહી છે અને સબસીડી બિલ પણ ઘટયુ છે.
હવે બજેટમાં જે આવકવેરા સહિતની જોગવાઈ કરવામાં આવી છે તેના કારણે લોકોનો ખર્ચ વધશે જ. ઈકોનોમીમાં માંગ વધારશે તેવું સરકાર માને છે. અંદાજે 3 કરોડ સેલેરી પીપલને આ આવકવેરા મુક્તિ મર્યાદામાં જે વધારો કરાયો તેનો લાભ મળશે.
તે મહતમ રૂા.1.10 લાખ હશે અને લોકો જે હાલ સુધી તેનો આવશ્યક સિવાયનો વધારાનો ખર્ચ કરવામાં હાથ બાંધી રાખતા હતા તે હવે ખર્ચ કરશે. આમ મિડલ વર્ગ જ ઈંધણ બની જેમાં હવે હાઉસીંગ ક્ષેત્ર જે લકઝરી સેગમેન્ટમાં વધુ આધાર રાખે છે. તેમાં કેવો વળાંક આવે છે તેના પર નજર છે.