એસ જયશંકર પહેલી વાર ઈસ્લામાબાદનો પ્રવાસ કરશે
New Delhi, તા.૪
શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારત પણ ભાગ લેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેના માટે પાકિસ્તાન જશે. લગભગ ૧૦ વર્ષ બાદ ભારતના કોઈ લીડર પાકિસ્તાનની મુલાકાત લેશે. એસ જયશંકર વિદેશ મંત્રી તરીકે પહેલી વાર ઈસ્લામાબાદનો પ્રવાસ કરશે. લાંબા સમયથી તેને લઈને વિચાર વિમર્શ ચાલી રહી હતી કે ભારત પાડોશી દેશ પાકિસ્તાનમાં યોજાનારી SCOની બેઠકમાં ભાગ લેશે કે નહીં. હવે આખરે ભારતે તેમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરતા શુક્રવારે જણાવ્યું કે, SCOની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.
પાકિસ્તાનમાં ૧૫થી ૧૬ ઓક્ટોબર સુધી SCOની બેઠક થવાની છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ચીન અને રશિયા જેવા દેશ પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પાકિસ્તાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરનો બાકીનો કાર્યક્રમ શું હશે, તેના વિશે બાદમાં જાણકારી આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભારત ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન જેવા દેશ સામેલ છે. એસ જયશંકર પહેલા સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તેઓ ‘હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ’માં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. આ કોન્ફરન્સમાં કુલ ૧૪ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અફઘાનિસ્તાનની સુરક્ષાને લઈને આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગકોકમાં શાંતિ મંત્રણા થઈ હતી અને તેના થોડા દિવસો બાદ જ સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો હતો. સુષ્મા સ્વરાજ બાદ હવે એસ જયશંકર ૯ વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા ભારતના પહેલા વિદેશ મંત્રી હશે.