IND vs SL: ટીમ ઇન્ડિયાને હરાવવા માટે ભારતીય દિગ્ગજની મદદ લઈ રહ્યું છે શ્રીલંકા

Share:

New Delhi,તા.26

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરુ થવાને બસ ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમને હરાવવા માટે ભારતના જ એક દિગ્ગજની મદદ લેવામાં આવી રહી છે.

જયસૂર્યાએ જણાવ્યું છે કે, IPL ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર ઝુબિન ભરૂચાએ શ્રીલંકાના બેટ્સમેનોને ભારત સામે વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિનો લાભ શ્રીલંકાની ટીમ ઉઠાવશે અને ઘરઆંગણે શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સિનિયર ક્રિકેટર્સ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલની ભારતની T20 ટીમમાં અગાઉની ટીમ જેટલો અનુભવ નથી. ભારત-શ્રીલંકા T20 શ્રેણી 27 જુલાઈથી શરુ થશે. સનથ જયસૂર્યાએ ખુલાસો કર્યો હતો કે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ લંકા પ્રીમિયર (LPL) લીગ સાથે સંકળાયેલા હોવા છતાં ઝુબિન ભરૂચા સાથે આયોજિત છ દિવસીય શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં તેઓને ઘણું માર્ગદર્શન મળ્યું હતું. હાલ ભારતની T20 ટીમમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનું પ્રભુત્વ મુંબઈ ઇન્ડિયન્સ પછી સૌથી વધારે છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ જેવા ભારતીય બેટ્સમેન રાજસ્થાન રોયલ્સમાંથી IPL રમે છે.

સનથ જયસૂર્યાએ કહ્યું હતું કે, ‘અમે LPL પછી તરત જ એક કેમ્પ શરુ કર્યો હતો. અમારા ઘણા ખેલાડીઓ વ્યસ્ત હતા. મોટાભાગના ખેલાડીઓ LPLમાં રમતા હતા. આમ છતાં અમે રાજસ્થાન રોયલ્સના ઝુબિન ભરૂચાને બોલાવ્યા હતા. લગભગ છ દિવસ સુધી અમે તેમની સાથે કામ કર્યું હતું. LPLમાં રમ્યા બાદ તેમની સાથે અન્ય ક્રિકેટરો પણ જોડાયા હતા. જેનો ફાયદો ખેલાડીઓને મળ્યો છે. જયસૂર્યાએ જણાવ્યું હતું કે ભરૂચા સાથેના સેશન્સ ખૂબ જ અસરકારક રહ્યા હતા અને ખેલાડીઓને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ અને રોહિત શર્માના નેતૃત્વમાં વન-ડે સિરીઝ જીતવા માટે પ્રયાસ કરશે. વન-ડે ટીમ આગામી સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીના ભાગરૂપે ટીમ કોમ્બિનેશન તૈયાર કરવા માંગશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *