યુવાન પોતાના મિત્ર સાથે માવો ખાવા ગયો’ને સાળાઓ, કાકાજી સસરા સહિત ૭ શખ્સોએ લોખંડના પાઈપ, કુહાડી છરી વડે હુમલો કરી પતાવી દીધો
Bhanwad,તા.૫
ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા એક યુવાને આજથી આશરે દોઢ વર્ષ પહેલાં આ જ ગામની એક વિધર્મી યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ બહારગામ રહેતું આ દંપતી તેમની માસૂમ પુત્રી સાથે શેઢાખાઈ ગામે પરત આવતા અહીં યુવતીના ભાઈઓ તથા કાકાએ મળીને ગત સાંજે આ યુવાન પર જીવલેણ હુમલો કરી, તેની હત્યા નિપજાવ્યાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ પ્રકરણની વિગત એવી છે કે ભાણવડથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિાક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના ૨૪ વર્ષના યુવાનને આ જ ગામના રહીશ ઈશા અબુભાઈ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. રમઝાની સગાઈ જ્યાં તેણીની મરજી વિરુદ્ધ થઈ હતી, ત્યાં જ તેણીના નીકાહ થાય તેમ તેણીના પિતા ઈશાભાઈ દેથા ઈચ્છતા હતા. પરંતુ રમઝા પણ યાજ્ઞિાકના પ્રેમમાં હોય બંને વર્ષ ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ઘરેથી ભાગી ગયા હતા. જે અંગેની ગુમ નોંધ રમઝાના પિતા ઈશાભાઈ અબુભાઈ દેથાએ તારીખ ૭ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સ્થાનિક પોલીસમાં કરાવી હતી.
દોઢેક વર્ષથી શેઢાખાઈ ગામેથી નાસી ગયા બાદ યાજ્ઞિાક તેમજ તેના પત્ની રમઝા ઉર્ફે હેતલ બહારગામ રહેતા હતા. અને તેઓને ગત તા. ૨૪ જૂન ૨૦૨૪ ના રોજ પુત્રીનો જન્મ થયો હતો. ત્યાર બાદ બંને પોતાના ઘરે અહીં રહેવા આવ્યા હતા. જે રમઝા ઉર્ફે હેતલના પરિવારજનોને પસંદ ન હતું.
આ વચ્ચે ગઈકાલે બપોરે યાજ્ઞિાક જમીને ત્રણેક વાગ્યાના સમય પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેના મિત્ર હરદીપસિંહ વજુભા સાથે ગામના બસ સ્ટેશન પાસે માવો ખાવા ગયો હતો. બસ સ્ટેશન પાસે રમઝા ઉર્ફે હેતલનો ભાઈ સાજીદ ઈશા દેથા અને મહંમદ જુમા દેથા ઉપરાંત તેણીના કાકા સલીમ હુસેન, આમદ મુસા, જુમા મુસા, ઓસમાણ મુસા ઉર્ફે ભકો અને હોથી કાસમ નામના કુલ સાત પરિવારજનો લોખંડના પાઈપ, કુહાડી અને છરી જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા.
યાજ્ઞિાક ઉપર હુમલો કર્યો હતો. શું કામ ના પાડી તો પણ અમારી દીકરી સાથે લગ્ન કર્યા? આજે તો તને અહીંથી જીવતો જવા દેવો નથી, પતાવી દેવો છે- કેમ કહી બેફામ માર મારી, જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ બનતા યાજ્ઞિાકના માતા નિર્મળાબેન તથા તેમના પત્ની રમઝા ઉર્ફે હેતલ પહોંચી ગયા હતા અને હેતલે ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ તાકીદે અહીં પહોંચી ગઈ હતી. યાજ્ઞિાકને ઈજાઓ પહોંચાડી, આરોપીઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત એવા યાજ્ઞિાકે બનાવ અંગે તેના માતા તેમજ પત્નીને લોહી લુહાણ હાલતમાં યાજ્ઞિાકને ખંભાળિયા બાદ જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ માર્ગમાં જ તેનું મોત થયું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના માતા નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજીયા (ઉ.વ. ૫૩) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સાજીદ ઈશા દેથા, સલીમ હુસેન દેથા, જુમા મુસા દેથા, આદમ મુસા ઉર્ફે આદુ, ઓસમાણ મુસા ઉર્ફે ભકો ઓસમાણ, હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા અને મહમદ જુમા દેથા નામના સાત શખ્સો સામે ભાણવડ પોલીસે હત્યાનો ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
યુવાનની હત્યાનો આ બનાવ બનતા અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૃરી કાર્યવાહી કરી હતી. નાના એવા શેઢાખાઈ ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૃરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.