Bhavnagar,તા.૧૦
બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકોને શેર બજારની લોભામણી સ્કીમની જાહેરાત કરીને રૂપિયા ૭૨ લાખનો ચુનો લગાવીને નાસતોફરતો શખ્સને બોટાદ એલસીબી પોલીસે શહેરનાં તુરખા રોડપર આવેલ પિકઅપ સ્ટેન્ડથી ઝડપ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ એલસીબી પીઆઈ એ જી સોલંકી અને પીએસઆઈ સોલંકી તેમજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન શહેરનાં તુરખા ગામ જવાના રસ્તા પર પિકઅપ સ્ટેન્ડ પાસે પહોંચતા એક શખ્સ ઉભો હતો, જેથી એલસીબી પોલીસને શંકા જતા પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા મૃત્યુંજકુમાર વિજય પંડિત કે જે ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ દહેરાદૂનનો હોવાનું સામે આવ્યું હતું.
એલસીબી પોલીસને વધુ શંકા જતાં પોલીસે વધુ તપાસ કરતા આ શખ્સ શેરબજારનો ધંધો કરતો હતો, જેથી તેણે બિહાર તેમજ ઉત્તરાખંડ રાજ્યના લોકોને લોભામણી સ્કીમોની જાહેરાતો કરીને કુલ રૂપિયા ૭૨ લાખની છેતરપિંડી કરી હતી જેથી બંને રાજ્યોના પોલીસ સ્ટેશને આ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાતા આ ચિટર ફરાર થયો હતો. આ તમામ હકીકત પોલીસ તપાસમાં બહાર આવતા એલસીબી પોલીસે મૃત્યુંજકુમાર વિજય પંડિતની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ બોટાદ એલસીબી પોલીસની સતર્કતાથી બે રાજ્યોના લોકોને ૭૨ લાખનો ચુનો લગાવનાર નાસ્તો ફરતો આરોપીને ઝડપી લીધો.