માઈક પોમ્પિયોએ કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડશે નહીં
Washington, તા.૮
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. યુએસથી ડીપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને કથિત રીતે હાથકડી અને સાંકળ વડે બાંધીને ભારત મોકલવામાં આવતા હોબાળો મચી ગયો હતો, વિપક્ષે ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ ભારતની એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં હાજરી આપી હતી, આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં મોકલવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગુનેગારો હતાં.કાર્યક્રમ દરમિયાન માઇક પોમ્પિયોએ ઘણા મુદ્દાઓ પર વાત કરી. ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મીલીટરી વિમાનમાં હાથ-પગ બાંધીને પરત મોકલવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતા પોમ્પિયોએ કહ્યું કે એ લોકો ગુનેગાર હતા. દુનિયા માને છે કે ટ્રમ્પ આ રીતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોકલીને કોઈ યુક્તિ રમી રહ્યા છે પરંતુ એવું નથી. આ મામલે ટ્રમ્પનો સંદેશ સ્પષ્ટ છે કે જે કોઈ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરશે તેને તેના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે.માઈક પોમ્પિયોએ કહ્યું કે બાઈડેન સરકારના ચાર વર્ષમાં અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમની સ્થિતિ કથળી ગઈ હતી, જેને ટ્રમ્પ હવે સુધારી રહ્યા છે. માઈક પોમ્પિયોએ કહ્યું કે ટ્રમ્પ જે કરી રહ્યા છે તે અમેરિકા અને અમેરિકન લોકોની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક દેશ માટે આ કરવું જરૂરી છે.માઈક પોમ્પિયોએ વધુમાં કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં ભારત સાથે એ જ રીતે સંબંધો જાળવી રાખશે જે રીતે તેમણે તેમના પહેલા કાર્યકાળમાં રાખ્યા હતા. ટ્રમ્પ પોતાને ‘ટેરિફ મેન’ કહે છે અને તેમને લાગે છે કે ટેરિફ લાદવો ખૂબ જ જરૂરી છે.માઈક પોમ્પિયોએ કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડશે નહીં. બંને દેશોના વિદેશ પ્રધાનો અને અધિકારીઓ પણ આના પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ટેરિફ લાદીને, ટ્રમ્પ ચૂંટણી દરમિયાન અમેરિકન લોકોને આપેલા વચનને પૂર્ણ કરી રહ્યા છે.